પંજાબ સરકાર ગરીબોને મફતમાં વીજળી આપશે

101

પંજાબના મુખ્યમંત્રીની શપથ વિધિ બાદ જાહેરાત : ત્રણ નવા કૃષિ કાયદા પરત ખેંચવા કેન્દ્રને અપીલ કરાશે, કોંગ્રેસ હાઈકમાન્ડે આપેલા ૧૮ મુદ્દાને પૂરા કરવાનું વચન
ચંદિગઢ, તા.૨૦
પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ સોમવારે શપથ ગ્રહણ વિધિ બાદ પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી. ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું હતું કે, કોંગ્રેસ હાઈ કમાને એક સામાન્ય માણસને પંજાબની કમાન સોંપી છે. જેના ઘરમાં છત નહોતી તેને કોંગ્રેસ પાર્ટીએ આજે મુખ્યમંત્રી બનાવી દીધો છે. ચરણજીત સિંહ ચન્ની પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે, તેઓ કેન્દ્ર સરકારને વિનંતી કરશે કે ત્રણેય કૃષિ કાયદા તાત્કાલિક પાછા લેવામાં આવે. જો આ કાયદા પાછા નહીં લેવામાં આવે તો ખેતી ખતમ થઈ જશે અને પંજાબના દરેક પરિવારને અસર થશે. પંજાબના ખેડૂતોને નબળા નહીં પડવા દઈએ. પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ એવી જાહેરાત કરી હતી કે તમામ ગરીબોના બિલ માફ કરવામાં આવશે. કેબિનેટમાં આ નિર્ણય પાસ કરી દેવામાં આવશે. દરેકનું જૂનું બિલ માફ કરવામાં આવશે. કોંગ્રેસ હાઈકમાને અમને પંજાબ માટે ૧૮ મુદ્દા આપ્યા છે જે અમે આ કાર્યકાળમાં જ પૂરા કરીશું. પંજાબના નવા મુખ્યમંત્રીએ કહ્યું કે, જે ખેડૂતોના વીજળી કનેક્શન કપાયા છે તે તમામના કનેક્શન ફરી જોડી જેવામાં આવશે. મુખ્યમંત્રીએ હડતાળ પર ઉતરેલા તમામ કર્મચારીઓને વિનંતી કરતા કહ્યું હતું કે, તેમની વાત માનીને બધા લોકો કામ પર પાછા આવી જાય. થોડો સમય આપે, તેમની ચિંતાઓ દૂર કરી દેવામાં આવશે.

Previous articleઆઈપીએલમાં ડ્‌વેન બ્રાવોની ૫૦૦ મેચ પૂરી
Next articleછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૦૨૫૬ કેસ