ઈડીએ આ ત્રણેય નેતાઓ સામે મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો હતો, કોર્ટમાંથી નેતાઓને પૂછપરછ કરવા મંજૂરી
નવી દિલ્હી, તા.૨૦
ઉત્તર પ્રદેશની અલગ-અલગ જેલમાં બંધ સપા નેતા આઝમ ખાન, ગેંગસ્ટરથી બસપા ધારાસભ્ય બનેલા મુખ્તાર અંસારી અને અતીક અહેમદની મુશ્કેલી વધી ગઈ છે. હવે ઈડી મની લોન્ડ્રિંગ મામલે આ ત્રણ નેતાઓની કુંડલી ખંગાળશે. ઈડીએ આ ત્રણ નેતાઓ વિરૂદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો હતો. હવે ઈડીને કોર્ટને આ ત્રણ નેતાઓને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવાની અનુમતિ મળી ગઈ છે. જે બાદ ઈડીની ટીમ જલ્દી જ ત્રણેય નેતાઓ સાથે પૂછપરછ કરી શકે છે. સમાજવાદી નેતા આઝમ ખાન પર ખેડૂતોની જમીન હડપવાનો આરોપ છે. જાણકારી અનુસાર, નિયમોનુ ઉલ્લંઘન કરીને આઝમ ખાને ખેડૂતોની જમીન લઈ લીધી હતી. જે બાદ કેટલાક ખેડૂતોએ આની ફરિયાદ રાજ્યપાલને કરી હતી. આરોપ છે કે આઝમ ખાનના ડ્રીમ પ્રોજેક્ટ જોહર યુનિવર્સિટીના નામ પર જે જમીન લઈ લીધી હતી તેમાંથી કેટલીક જમીન સરકારી છે અને યુનિવર્સિટી બનાવવામાં સરકારી રૂપિયાનો ઉપયોગ કરવામાં આવ્યો. યુપીની બાંદા જેલમાં બંધ માફિયા અને બસપા ધારાસભ્ય મુખ્તાર અંસારી વિરૂદ્ધ ઈડીએ એક જુલાઈએ મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો હતો. આરોપ છે મુખ્યાર અંસારીએ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવ્યો અને તેને સાત વર્ષ માટે ૧.૭ કરોડ રૂપિયા પ્રતિ વર્ષના હિસાબે એક ખાનગી કંપનીને ભાડે આપી દીધા. ઈડી આ રકમ અને કબ્જા જમાવવાના મામલે પૂછપરછ કરશે.માફિયા અતીક અહેમદ વિરૂદ્ધ ઈડીએ મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો હતો. આરોપ છે કે ગયા વર્ષે પોલીસે અતીકની કુલ ૧૬ કંપનીઓ ચિહ્નિત કરી હતી જેમાંથી કેટલીય બેનામી હતી. આ કંપનીઓમાં નામ તો કોઈ બીજાનુ છે પરંતુ પરોક્ષરીતે આમાં રૂપિયા અતીકના છે. આમાંથી મોટાભાગની કંપનીઓનો વેપાર રિયલ એસ્ટેટ સાથે સંબંધિત છે. એ પણ જાણકારી મળી છે કે આ કંપનીઓની લેવડદેવડ કરોડોમાં છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યુ હતુ કે જે ૧૦ કંપનીઓ વિશે જાણકારી મળી છે તેમાંથી ત્રણ કંપનીઓ અતીકની પત્ની સાઈસ્તા પરવીન જ્યારે પાંચ સંબંધીઓના નામે રજિસ્ટર્ડ છે. આઠ કંપનીઓ એવી છે જેના વિશે એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે તેમના માલિક કોણ છે.