લોકોનું વેક્સિનેશન સર્ટિફિકેટની ચકાસણી બાદ જ પ્રવેશ આપવામા આવશે જે તે સ્થળો પર રસીકરણ પણ કરી આપવાની વ્યવસ્થા
દેશભરમાં લાંબા સમયથી ચાલી રહેલી કોરોના મહામારી હવે છેલ્લા ત્રણેક માસથી હળવી પડી છે અને ત્રીજી લહેરની શક્યતા પણ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઓછી જણાઈ રહી છે. લોકો વેક્સિન લઈ રહ્યા છે અને સુરક્ષિત થઈ રહ્યા છે. તાજેતરમાં રાજ્યના અમદાવાદ, ભાવનગર સહિત કેટલીક મહાપાલિકાઓ દ્વારા રસીકરણ પર ભાર મુકવાના અને લોકો સુરક્ષિત થાય તેવા આશયથી જાહેર સ્થળો પર અને મહાપાલિકા કચેરીઓ સહિતમાં વેક્સિન લીધા વિનાના વ્યક્તિઓને પ્રવેશ આપવામાં નહી આવે તેવું જાહેરનામું પ્રસિધ્ધ કરાયેલ અને ભાવનગરમાં તેનો આજથી અમલ શરૂ કરવામાં આવ્યો છે.
કોરોના મહામારીને ડામવાના ભાગરૂપે ભાવનગર મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં રસીકરણ અભિયાન જોરશોરથી ચલાવાઈ રહ્યું છે. સાથોસાથ કમિશ્નર દ્વારા મહાપાલિકા કચેરી સહિત જાહેર સ્થળો પર વેક્સિનના બન્ને ડોઝ લીધા વિના વ્યક્તિઓને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ જેનો આજે તા.21ને મંગળવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે સવારથી જ મહાપાલિકા કચેરી ખાતે અંદર જતા કર્મચારીઓ, અધિકારીઓ, તેમજ મુલાકાતીઓને દરવાજે અટકાવી વેક્સિન સર્ટિફિકેટ તપાસવામાં આવ્યા હતા અને પછી પ્રવેશ આપવામાં આવેલ જો કોઈએ વેક્સિન ન લીધી હોય તેઓ સ્થળ પર જ વેક્સિન આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એમ.એ.ગાંધી સાથે કરેલી વાતચીતમાં જણાવેલ કે વેક્સિન લીધા વિના પ્રવેશ પર પ્રતિબંધનો અમલ શરૂ કરાયો છે અને આજથી મહાપાલિકા કચેરી ઉપરાંત બન્ને ઝોનલ કચેરીઓ, બોરતળાવ, બાલવાટીકા, ઓપનએર થીયેટર, પીલગાર્ડન, વાલકેટ ગેટ પાસેનું ગાર્ડન, પરશુરામ પાર્ક સહિત 18 સ્થળો પર વેક્સિનેશનનું સર્ટી ચકાસીને પ્રવેશ દેવાનો પ્રારંભ કરાયો છે અને તમામ સ્થળો પર ટીમો બેસાડી રસીકરણ પણ શરૂ કરાયેલ છે. અને રસીકરણ માટે લોકોમાં જાગૃતી પણ આવી હોવાનું તેમણે જણાવ્યુ હતું.