રાજ્યમાં કોરોનાની બીજી લહેર નબળી પડી છે. જોકે, ભાદરવા મહિનામાં પડેલા સાર્વત્રિક વરસાદ બાદ ઋતુજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે. રાજ્યમાં મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, ટાઈફોડ જેવી બીમારીના દર્દીઓથી સરકારી અને ખાનગી હોસ્પિટલો ઉભરાઈ રહી છે, ત્યારે ભાવનગરના વલ્લભીપુરમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે પાણીજન્ય અને ઋતુજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. વલ્લભીપુર શહેરના વોર્ડ નંબર- 2માં આવેલી ભરવાડ શેરીમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાને લઈને સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે. માર્ગની વચ્ચોવચ ભરાયેલા પાણીના મોટા તલાવડાને કારણે નજીકમાં જ આવેલી કન્યાશાળાની વિદ્યાર્થીનીઓ અને આંગણવાડીના ભૂલકાઓ જોખમી રીતે આ માર્ગ પસાર કરી રહ્યા છે.
ઘણા સપ્તાહોથી ભરાયેલા વરસાદી પાણીને કારણે મચ્છરનો ઉપદ્રવ ફેલાતા આસપાસના રહેવાસીઓમાં ઘેર-ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે.આરોગ્ય ક્ષેત્રે પણ પછાત એવા વલ્લભીપુર શહેરમાં બીમાર પડતા દર્દીઓને સારવાર અર્થે દૂર સુધી લઈ જવા પડતા હોવાથી નાગરિકોમાં તંત્રની બેદરકારીને લઈને ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે. સતત ભરાયેલા રહેતા પાણીને કારણે અકસ્માતનો ભય પણ વાહનચાલકો પર ઝળુંબી રહ્યો છે, ત્યારે જે વિસ્તારમાં ભાજપના ચાર-ચાર સદસ્યો ચૂંટાયા છે એ વિસ્તારની હાલત અત્યંત દયનિય બની છે. સૌનો સાથ, સૌનો વિકાસ જો વ્યવસ્થિત થશે તો જ સૌનો વિશ્વાસ સત્તાધારી પાર્ટી જીતી શકશે એ સમજી લેવાની હવે પાલિકાના સત્તાવાહકોને જરૂર છે.