વન વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી દિપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા ગામે મંગળવારે મોડીરાત્રે બે દિપડાઓએ ઝોકમાં પુરેલા ઘેટાં-બકરાં પર હુમલો કર્યો હતો. દિપડાઓએ 20 જેટલાં ઘેટાં બકરાંને ફાડી ખાધા હતા. તેમજ બંને દિપડાઓ રાત્રીનાં અંધારામાં નાસી છુટ્યા હતાં.આ સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા ગામે આવેલી લોક ભારતી સંસ્થા નજીક દેવીપૂજક વાસ આવેલો છે. જયાં દેવીપૂજક સમાજનાં લોકો ઘેટાં, બકરાં, મરઘાં જેવાં પ્રાણી પક્ષીઓ પાળી તેનું વેચાણ કરી જીવન નિર્વાહ ચલાવે છે. જેમાં ગત મોડી રાત્રે એક ઝોક (વાડામાં) એક દેવીપૂજક પરીવારના ઘેટાં બકરાં પુરેલા હતા તે દરમ્યાન ત્યાં બે દિપડાઓ આવી પહોચ્યાં હતા. દિપડાઓએ ઝોકમા બંધ ઘેટાં બકરાં પર હુમલો કરી થોડી જ મિનિટોમાં 20 જેટલાં પશુઓને મોતને ઘાટ ઉતારી નાખ્યાં હતા. જોકે, આ દરમિયાન ઘટનાની જાણ પરિવારને થતા તેઓએ ઝોક પાસે પહોંચી દેકારા- પડકારા કરતાં બંને દિપડા મારણ પડતું મૂકી નાસી છુટ્યા હતા.આ બનાવની જાણ વહેલી સવારે વન વિભાગને થતાં અધિકારીઓ-કર્મચારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃત પશુઓ અંગે પંચનામું કરી નાસી છુટેલા દિપડાઓને ઝબ્બે કરવા ટ્રેપ ગોઠવવા તજવીજ હાથ ધરી હતી. આ બનાવમાં સૂત્રોના જણાવ્યાં અનુસાર દિપડા દ્વારા મારણ કરવામાં આવેલા પશુ સંદર્ભે પશુ માલિકોને વન વિભાગના નિયમ મુજબ ઝડપથી વળતર આપવામાં આવશે અને હિંસક પશુઓને ઝડપથી ઝડપી લઈ સ્થાનિકોને ભયમુક્ત કરવામાં આવશે.