સાર્ક દેશોના વિદેશમંત્રીઓની બેઠક ટળી

108

પાકિસ્તાને રોડાં નાખ્યાંં : અશરફ ગની સરકારના કોઇપણ પ્રતિનિધિને બેઠકમાં સ્થાન ના આપવાની વાત પણ કરી હતી
નવી દિલ્હી,તા.૨૨
પાકિસ્તાનના તાલિબાન પ્રેમને લીધે દક્ષિણ એશિયાના દેશોના સમૂહ સાર્કના વિદેશમંત્રીઓની બેઠક કેન્સલ કરવી પડી છે. પાકિસ્તાને આ બેઠકમાં તાલિબાનના પ્રતિનિધિને સામેલ કરવાની જીદ પકડી હતી. જે પછી વકરેલા વિવાદને લીધે ૨૫ સપ્ટેમ્બરે યોજાનારી ઓનલાઇન બેઠક રદ કરવામાં આવી છે. આ અંગે નેપાળના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરી જણાવ્યું છે કે, તમામ સભ્યોની સંમતિ ના હોવાને લીધે આગામી બેઠક રદ કરવામાં આવી છે. માહિતી મુજબ દાવો કરવામાં આવી રહ્યો છે કે, સાર્કના મોટાભાગના સભ્ય દેશોએ બેઠકમાં તાલિબાન શાસનને અફઘાનિસ્તાનનું પ્રતિનિધત્વ કરવાની મંજૂરી આપવાના પાકિસ્તાનની જીદ પર વિચાર કરવાથી ઇનકાર કરી દીધો હતો. પાકિસ્તાને આ વાત પર પણ જોર આપ્યું હતું કે અશરફ ગનીના નેતૃત્વવાળી અફઘાનિસ્તાનની સરકારના કોઇપણ પ્રતિનિધને સાર્ક વિદેશી મંત્રીઓની બેઠકમાં કોઇપણ કિંમતે મંજૂરી આપવામાં આવશે નહીં. મોટાભાગના સાર્ક સભ્ય દેશોએ પાકિસ્તાનની આ રજૂઆતનો વિરોધ કર્યો હતો. જે પછી સંમતિ ના મળતાં ૨૫ સપ્ટેમ્બરે યોજાનારી સાર્ક વિદેશી મંત્રીઓની બેઠક કેન્સલ કરવી પડી. તાલિબાને ૧૫મી ઓગસ્ટે કાબૂલ પર કબજો કર્યો હતો. જેના લીધે અફઘાનિસ્તાનમાં અશરફ ગનીની સરકારનું પતન થયું હતું. જે પછી પરસ્પર સંઘર્ષ અને પાકિસ્તાનની દખલગીરી વચ્ચે તાલિબાને ઇસ્લામિક અમીરાત સરકારની જાહેરાત કરી હતી. જે પછી પાકિસ્તાને જીદ પકડી હતી કે સાર્ક દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં અફઘાનની તાલિબાની સરકારના પ્રતિનિધને સ્થાન આપવામાં આવે. નોંધનીય છે કે, અફઘાનની રાજધાની કાબૂલ પર કબજો મેળવીને તાલિબાન અહીં શરિયા કાયદા હેઠળ સરકાર બનાવી ચૂક્યું છે. આ દરમિયાન પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ૈંજીૈં પણ આ મામલે સક્રિય છે અને તાલિબાનની સત્તામાં હક્કાની નેટવર્કના નેતાને સમર્થન આપી રહી છે. જોકે આ દરમિયાન અફઘાન-તાલિબાનના અનેક નેતાઓ સત્તામાં પાકિસ્તાનની દખલગીરીનો વિરોધ કરી રહ્યા છે.

Previous article૨૪ કલાકમાં દેશમાં ૨૬૯૬૪ નવા પોઝિટિવ કેસ નોંધાયા
Next articleસેન્સેક્સમાં ૭૮ અને નિફ્ટીમાં ૧૫ પોઈન્ટનું સામાન્ય ગાબડું