વન વિભાગની મહેનત રંગ લાવી ૨૪ કલાકમાં દિપડો કેદ : અન્ય એક દિપડાને ઝડપી લેવા ઓપરેશન યથાવત
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા ગામે મંગળવારે મોડીરાત્રે એક વાડામાં બંધ ઘેટાં-બકરાં પર બે દિપડાઓએ હુમલો કરી ૨૫ થી વધુ ઘેટાં બકરાં ને મારી નાખ્યા હતા જે અંગે વન વિભાગની ટીમે ફક્ત ૨૪ કલાકના ટૂંકા ગાળામાં બે પૈકી એક દિપડાને કેદ કરવામાં સફળતા સાંપડી છે. સમગ્ર બનાવ અંગે સિહોર ફોરેસ્ટ કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના સણોસરા ગામે આવેલ લોકભારતી સંકુલ પાસે દેવીપૂજક વાસમાં રહેતાં એક શખ્સના રહેણાંકી મકાનના ખુલ્લા પ્લોટમાં બનાવેલ ઝોક(વાડામાં) મંગળવારે સાંજે ઘેટાં બકરાં પુર્યા હતાં દરમ્યાન મોડીરાત્રે બે દિપડાઓએ ઝોકમા ત્રાટકી ૨૫ થી વધુ ઘેટાં બકરાં પર હુમલો કરી મોત નિપજાવ્યા હતાં સમગ્ર બનાવની જાણ વન વિભાગને થતાં સિહોર,સણોસરા તથા સોનગઢમા ફોરેસ્ટ રેન્જનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃત પશુઓનું પંચનામું કરી દિપડાઓને ઝડપી લેવા અલગ અલગ લોકેશનો પર ટ્રેપ ગોઠવ્યા હતાં તથા ચાર જેટલાં બીટગાર્ડ એ આખીરાત આજુબાજુના વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું દરમ્યાન ગુરુવારે વહેલી પરોઢે ત્રણ પૈકી એક ટ્રેપમા એક દિપડો આબાદ ઝડપાયો હતો દિપડો ઝડપાયો હોવાની વાત ગામમાં ફેલાતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં એકઠાં થયા હતા આ અંગે અધિકારીઓ ને વાકેફ કરતાં કાફલો આવી પહોંચ્યો હતો જેમાં વેટરનરી ડોક્ટરે દિપડાની પ્રાથમિક તપાસ કરી આ દિપડાને રાણીગાળા એનીમલ કેર સેન્ટર ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી દરમ્યાન પ્રત્યક્ષદર્શીઓ ના જણાવ્યા અનુસાર હુમલો થયો એ વેળાએ બે દિપડા હોય આથી તંત્ર દ્વારા બીજા દિપડાને પકડવા ઓપરેશન શરૂ રાખ્યું છે માત્ર ચોવીસ કલાકમાં દિપડો ઝડપાઈ જતાં સ્થાનિકો ને મન હાશકારો થયો હતો અને ગામનાં અગ્રણીઓ એ વનવિભાગની કામગીરીને બિરદાવી હતી.