સિહોરમાં ગેરકાયદે નાણાં ધીરધારનો ધંધો કરતા શાહુકારો વિરુધ્ધ લોકગાયકે ફરિયાદ નોંધાવી

246

ભોગ ગ્રસ્તે વ્યાજે લીધેલ નાણાંનું સમય સમયાંતરે વ્યાજ સાથે ચુકવણું કરતો હતો પરંતુ નબળી આર્થીક પરિસ્થિતિને કારણે બાકી રહેલ વ્યાજ સમયસર ચુકવી ન શકતાં હરામખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી
સિહોર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર સિહોરમાં રહેતા એક લોકગાયકે સિહોરમાં આવેલ મારૂતિ નંદન ફાયનાન્સ કંપની ચલાવતા માથાભારે શખ્સો પાસેથી લાખ રૂપિયા અલગ અલગ સમયે ઉંચા વ્યાજદરે લીધા હોય આ ફરિયાદી ઉચીત સમયે વ્યાજની ચુકવણી ન કરી શકતા વ્યાજખોરોએ લોકગાયકને જાનથી મારી નાખવાની ધમકી આપતા ગાયકે સિહોર પોલીસ સ્ટેશનમાં બંન્ને માથાભારે શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે હકીકત એવા પ્રકારે છે કે, સિહોરમાં રહેતા અને લોકગાયક તરીકે સ્ટેજ પ્રોગ્રામ, ડાયરાઓ કરી આજીવીકા રળતા જીતેન્દ્ર સુરેશચંદ્ર ઉપાધ્યાયે સિહોર પોલીસ સ્ટેશનમાં મારૂતિ નંદન ફાયનાન્સ કંપની ધરાવતા અજીત નાંગસ-રબારી, તથા રોહિત રબારી વિરુધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, આ શાહુકારો પાસેથી અલગ અલગ સમયે એક લાખ રૂપિયા ઉંચા વ્યાજે લીધા હતા. અને કટકે કટકે વ્યાજે લીધેલ રકમનું વ્યાજ પણ ચુકવતો હતો પરંતુ લોકડાઉનના સમયમાં સ્ટેજ પ્રોગ્રામો, ડાયરાઓ ન મળતાં આર્થિક મુશ્કેલી વેઠી રહેલ ગાયક કલાકાર સમયસર વ્યાજનું ચુકવણું ન કરી શકતા વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી સાથે ધાકધમકીનો તકાદો આદર્યો હતો. દરમિયાન આ વ્યાજ ખોરોનો ત્રાસ વધતાં અને મોબાઇલ પર કોલ કરી નાણાં આપી જવા અથવા જાનથી મારી નાખવાની ધમકી આપતા લોકગાયકે સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે સિહોર પોલીસે વ્યાજખોરો વિરુધ્ધ મનીલેન્ડીંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
વ્યાજના ચક્કરમાં આવેલા લોકો પોલીસનો સંપર્ક કરે

સિહોર તાલુકાની કોઈપણ જગ્યાએ આવી વ્યાજ વટાવની પ્રવૃત્તિ થતી હોય અથવા વ્યાજ વટાવમાં ચક્કરમાં કોઈ આવ્યા હોય તો સિહોર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પી.આઈ. ગોહીલે જણાવ્યું હતું.

Previous articleથોરડી ગામે તળાવ કાંઠેથી મળી આવેલ ચિત્રાની સગીરાની હત્યાનો ભેદ ઉકેલાયો
Next articleચેમ્બર દ્વારા એક્ષપોર્ટ કોન્કલેવ