રાની મુખર્જીએ એસ્ટોનિયામાં પોતાની ફિલ્મનું શૂટિંગ કર્યું

164

મુંબઈ,તા.૨૪
રાની મુખર્જીએ પોતાની આગામી ફિલ્મ મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વેના શૂટિંગનું પહેલું શેડ્યુલ પૂરું કરી નાખ્યું છે. ફિલ્મના મેકર્સે યુરોપના દેશ એસ્ટોનિયામાં આ શિડ્યુલ સમાપ્ત થવાની માહિતી સોશ્યલ મીડિયા પર આપી છે. સુરક્ષા પ્રોટોકોલને ધ્યાનમાં રાખતાં રાની મુખર્જી અને આખા ક્રૂએ બાયો બબલમાં જરૂરી સાવધાની રાખીને શૂટિંગ પૂરું કર્યું છે. મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વેમાં એક માની આખા દેશ વિરુદ્ધની લડાઈની વાર્તા છે. આ ફિલ્મ ૨૦૧૧માં એક ભારતીય કપલ સાથે બનેલી સત્યઘટના પર આધારિત છે જ્યારે તેમના બાળકોને નોર્વેજિયન વેલફેર સર્વિસીઝ દ્વારા છીનવી લેવામાં આવ્યા હતા. ફિલ્મનું અંતિમ શિડ્યુલ ટૂંક સમયમાં ભારતમાં શરુ થવાનું છે. મેરે ડેડ કી મારુતિ ફિલ્મ બનાવનારા આશિમા છિબ્બર મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’ના ડિરેક્ટર છે. તો એમ્મે એન્ટરટેઈનમેન્ટ અને ઝી સ્ટુડીયોઝ તેના નિર્માતા છે. પડદા પર દમદાર રોલ ભજવવા માટે જાણીતી રાની મુખર્જીએ ‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે અંગે કહ્યું કે, આ ફિલ્મ મારા કરિયરની સૌથી ખાસ અને મહત્વની ફિલ્મોમાંથી એક છે. ‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’ એક પાવરફુલ મહિલાની વાર્તા છે અને તે દરેક માને સમર્પિત છે. ઉલ્લેખનીય છે કે છેલ્લે હિચકી, મર્દાની ૨ જેવી સામજિક મુદ્દો ધરાવતી ફિલ્મો કરી ચૂકેલી રાની ‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’માં પણ એ જ પ્રકારના રોલમાં જોવા મળશે. તેની આગામી ફિલ્મોની વાત કરીએ તો મર્દાની ફ્રેન્ચાઇઝીને આગળ વધારતાં ‘મર્દાની ૩’ની જાહેરાત પણ કરવામાં આવી છે. જોકે, ફિલ્મમાં આ વખતે ખૂંખાર વિલન કોણ હશે તેની માહિતી આપવામાં નથી આવી. તો ૨૦૦૫માં આવેલી રાની અને અભિષેક બચ્ચનની ફિલ્મ ‘બંટી ઔર બબલી’નો બીજો ભાગ પણ આવવાનો છે જેમાં સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરીની લીડ જોડી છે. આ ફિલ્મમાં રાની અને સૈફ અલી ખાન પણ જોવા મળશે.

Previous articleજિલ્લા જેલમાં કેદીઓના ટીબી અને એચઆઇવી ટેસ્ટ કરાયા
Next articleઆઈપીએલ ૨૦૨૧માં હાર્દિક પંડ્યા ટી ૨૦ વર્લ્ડ કપ નહીં રમે