ભાવનગર નાગરિક સહકારી બેંક લિ.ની હેડઓફિસ તમામની સુવિધાઓ સચવાય અને યોગ્ય પાર્કિંગ મળે તે વિસતારમાં સ્થળાંતર કરવાની માંગણી સંતોષાઈ છે અને અદ્યતન અને સુવિધાયુક્ત એવા હેડ ઓફિસના નવા બિલ્ડીંગ કે જેનું નામ મોરારજી દેસાઈ નાગરિક બેંક ભવન આપવામાં આવેલ છે. તેનું ઉદ્દઘાટન પ.પૂ. મોરારિબાપુના હસ્તે આવતીકાલે કરાશે તેમ બેંકના ચેરમેન જીતુ ઉપાધ્યાયે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે અતિથિ વિશેષ પદે વિધાનસભા વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અને રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ અને શિક્ષણ મંત્રી વિભાવરીબેન આ ઉપરાંત મોરારજીભાઈ દેસાઈના પરિવારજનો કે જેમાં પૌત્રવધુ મંગલાબહેન ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે બિલ્ડીંગમાં જે સેમીનાર અને સ્ટાફ ટ્રેઈનીંગ માટે હોલ નિર્માણ કરાવેલ છે તેને વેણીલાલ પારેખ સભાગૃહ નામકરણ કરાયું છે અને વેણીકાકાના પુત્ર નયનભાઈ સહિત સમગ્ર પરિવાર પણ ખાસ ઉપસ્થિત રહેનાર છે.
જીતુ ઉપાધ્યાયે વધુમાં જણાવ્યું હતું કે મોરારજી દેસાઈ જેવા સિધ્ધાંતનિષ્ઠ, પ્રમાણિક અને કુશળ વહિવટકર્તા એવા રાજપુરૂષની સ્મૃતિમાં બેંકે તેમનું નામ રાખવું તે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નિર્ણય લીધો. જેની સમગ્ર ગુજરાતમાં સરાહના થઈ રહી છે. આ પ્રસંગે મોરારજીભાઈની પ્રતિમા અને તૈલચિત્રનું પણ અનાવરણ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, ગ્રાહકો, કર્મચારીઓ તથા ડિપોઝીટર્સ, લોનધારકો તે તમામની સુવિધા માટે અદ્યતન મકાન હોવું જરૂરી છે અને છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન રામમંત્ર મંદિર શાખા, ભાવનગરપરા શાખા અને ઘોઘારોડ શાખાના આધુનિક સુવિધાયુક્ત બિલ્ડીંગ પછી હવે હેડ ઓફિસ પણ કોર્પોરેટ લુક આપતા સુવિધાયુક્ત મકાનમાં શીફ્ટ થશે. ધિરાણ ૬૦ કરોડ ઉપર થયું છે. એન.પી.એ. ૭૬ ટકામાંથી ઘટીને સવા દસ ટકાએ ઉતર્યુ છે અને નેટ એન.પી.એ. શુન્ય છે. એટીએમ સુવિધા અને સીબીએસ સુવિધા તેમજ એસ.એમ.એસ. એલર્ટ સુવિધા શરૂ છે. તમામ શાખામાં કોમ્પ્યુટર નેટવર્કથી જોડાયેલી છે. આપણી શાખાઓ હવે ભાડાના મકાનમાં નહીં, પરંતુ બેંકની માલિકીના મકાનમાં જ કાર્યરત છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
એન.પી.એ. દસ ટકાથી ઓછુ થવાની તૈયારીમાં છે ત્યારે રીઝવ બેંક દસ ટકાથી ઓછુ એનપીએ થાય એટલે શહેરમાં તથા રાજ્યમાં સુરત સહિતના સ્થાનોએ વિવિધ શાખાઓ શરૂ કરવા જ્યારે મંજુરી આપશે. ધિરાણ માત્ર એક સપ્તાહમાં જ મળી જાય તે માટે દર શુક્રવારે લોન કમિટીની મિટીંગ મળે છે.
આ પત્રકાર પરિષદમાં એમ.ડી. પ્રદિપભાઈ દેસાઈ, વાઈસ ચેરમેન મહેન્દ્રભાઈ બારૈયા, ડિરેક્ટર્સ નિરૂભાઈ દવે, પ્રવિણભાઈ પોંદા, કમલેશભાઈ મહેતા, રફીકભાઈ મહેતર, ધીરૂભાઈ કરમટીયા, માધવભાઈ માણીયા, ભદ્રેશભાઈ દવે, જનરલ મેનેજર નરેન્દ્રભાઈ વેગડ, એ.જી.એમ. ઉત્કર્ષભાઈ ઓઝા ઉપસ્થિત હતા.