જયપુરમાં વાન ટ્રકમાં ઘૂસી જતાં છ વિદ્યાર્થીઓનાં કરૂણ મોત થયા

119

રાજસ્થાનના જયપુરના ચાકસૂમાં ગમખ્વાર અકસ્માત : ઘાયલ થયેલા પાંચને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા
જયપુર, તા.૨૫
રાજસ્થાનના જયપુરમાં શનિવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી કે જેમાં રીટ (આરઈઈટી) એટલે કે રાજસ્થાન એલિજિબિલિટી એક્ઝામ ફોર ટીચર્સની પરીક્ષા આપવા માટે જઈ રહેલા ૬પરીક્ષાર્થીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં એક ઈકો વાન બેકાબૂ થઈને ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં ૫ લોકો ઘાયલ પણ થયા છે. તેઓની સારવાર ત્યાંની એક હોસ્પિટલમાં ચાલી રહી છે કે જેમાં એક વિદ્યાર્થીની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.મળતી માહિતી મુજબ, રાજસ્થાનના જયપુરના ચાકસૂમાં શનિવારે સવારે એક ટ્રક અને વાન વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો, જેમાં ૬ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં ૫ લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને રાજસ્થાનના ચાકસૂની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા તમામ લોકો વાનમાં સવાર હતા. જેમાં વાનનો ડ્રાઈવર પણ સામેલ છે. આ લોકો રીટ (આરઈઈટી) એટલે કે રાજસ્થાન એલિજિબિલિટી એક્ઝામ ફોર ટીચર્સની પરીક્ષા આપવા માટે જઇ રહ્યા હતા. આ વાનમાં લગભગ ૧૧ લોકો સવાર હતા. આ અકસ્માત અંગે શોક વ્યક્ત કરતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે ટિ્‌વટ કરતા જણાવ્યું હતું કે ચાકસૂમાં માર્ગ અકસ્માતમાં આરઈઈટીના ૬ ઉમેદવારોના મોત દુઃખદ છે. હું તમામ દિવંગત આત્માઓની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું. મૃતકોના પરિવારજનોને રૂપિયા ૨ લાખ અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપવામાં આવશે. હું તમામ ઉમેદવારોને વિનંતી કરું છું કે મુસાફરી કરતી વખતે સાવચેતી રાખો. હાઇ સ્પીડ એટલે કે ઝડપી ગતિએ અને બેદરકારીપૂર્વક વાહન ના ચલાવો. બની શકે તો જાહેર પરિવહનનો ઉપયોગ કરો. કોઈપણ પરીક્ષા તમારા જીવન કરતા મોટી હોઇ શકે નહીં. અકસ્માતની આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોતાના કબજામાં લીધા હતા. પોલીસે તમામ મૃતદેહને હોસ્પિટલની મોર્ટરી રૂમમાં રાખ્યા છે. પોલીસે ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.

Previous articleજમ્મુ-કાશ્મીર – લદાખ ભારતનો હિસ્સો હતા, છે અને રહેશે જ
Next articleદિવસભર ભારે ઉકળાટ બાદ અસ્સલ મિજાજમાં મેઘરાજાનું આગમન થયું