ખેડૂતોના હિતમાં કરવામાં આવેલા સુધારાનો વિરોધ કરનારા લોકો તરફ જોશો તો બૌદ્ધિક બેઈમાની અને રાજકીય છેતરપિંડીનો અસલી ચહેરો દેખાશે
નવી દિલ્હી,તા.૨
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે લાગુ કરવામાં આવેલા કૃષિ નિયમોના વિરોધને રાજકીય છેતરપિંડી જણાવ્યો છે. વડાપ્રધાને ઓપન મેગેઝીનને આપેલા એક ઈન્ટર્વ્યુમાં કહ્યું – અનેક રાજકીય પાર્ટી એવી છે જે ચૂંટણી પહેલા મોટા મોટા વચન આપે છે, અને મેનિફેસ્ટોમાં પણ તેનો સમાવેશ કરે છે. પરંતુ જ્યારે વચન પાળવાનો સમય આવે છે તે ત્યારે યુ-ટર્ન લઈ લે છે અને પોતાના જ દ્વારા કરવામાં આવેલા વચનો પર ખોટી વાતો ફેલાવે છે. જો તમે ખેડૂતોના હિતમાં કરવામાં આવેલા સુધારાનો વિરોધ કરનારા લોકો તરફ જોશો તો તમને બૌદ્ધિક બેઈમાની અને રાજકીય છેતરપિંડીનો અસલી ચહેરો દેખાશે. વડાપ્રધાને કહ્યું કે, આ એ જ લોકો છે જેમણે મુખ્યમંત્રીઓને પત્ર લખીને એ કરવાની અપીલ કરી હતી જે અમારી સરકારે કર્યું છે. આ તે જ લોકો છે જેમણે પોતાના મેનિફેસ્ટોમાં લખ્યું છે કે તે સુધાર લાવશે, જે અમે લાવ્યા છીએ. પરંતુ અમે અલગ રાજકીય પક્ષ છીએ એટલે તેમણે યુ-ટર્ન લઈ લીધો છે અને બૌદ્ધિક બેઈમાનીનું પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોના હિતમાં શું છે તે વાતની સંપૂર્ણપણે અવગણના કરવામાં આવી છે, માત્ર રાજકીય રીતે ફાયદો કઈ રીતે થશે તેનો જ વિચાર કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આ જ પ્રકારની રાજકીય છેતરપિંડી આધાર, જીએસટી, કૃષિ નિયમો અને સૈન્ય દળો માટેના હથિયારો જેવી ગંભીર બાબતોમાં પણ જોવા મળી છે. પહેલા વચન આપો, તેના માટે દલીલો કરો, અને પછી કોઈ પણ નૈતિક મૂલ્ય વગર તે જ વસ્તુનો વિરોધ કરો. જે લોકો આ પ્રકારના વિવાદ ઉભા કરે છે, તેમને લાગે છે કે જનતાને લાભ થશે કે નહીં તે મુદ્દો નથી. તેમને માટે મુદ્દો એ છે કે, આ પ્રકારના નિર્ણયો લેવામાં આવશે તો મોદીની સફળતાને કોઈ રોકી નહીં શકે. તમને નથી લાગતું કે રાજકીય પાર્ટી પોતાની મજાક ઉડાવી રહી છે. ખેડૂતો વિષે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમે નાના ખેડૂતોને સશક્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. કૃષિ નિયમો વિષે સરકાર પહેલા દિવસથી જ કહી રહી છે કે જે મુદ્દાઓ પર તમને અસહમતિ છે, સરકાર બેસીને વાત કરવા તૈયાર છે. આ બાબતે અનેક બેઠકો થઈ છે, પરંતુ હજી સુધી કોઈ કહી નથી શક્યું કે કયા મુદ્દા પર સમસ્યા છે.