માલદીવ,તા.૦૩
ટોક્યો ઓલંપિકમાં ભાલા ફેંક સ્પર્ધામાં સ્વર્ણ પદક જીતનારા જેવલિન થ્રોઅર નીરજ ચોપડા હાલના દિવસોમાં માલદીવમાં રજાઓ વિતાવી રહ્યા છે.ગોલ્ડન બૉય નીરજ ભલે દુનિયાના સૌથી સુંદર સ્થાન પર રજાઓનો આનંદ લઈ રહ્યા હોય પણ તેઓ હંમેશા પોતાના ખેલ વિશે વિચારતા રહે છે કે ભાલો ફેંકવામાં હજી વધારે સારૂ કેવી રીતે બની શકાય.પોતાના ખેલને લઈને તેઓ કેટલા ગંભીર છે તેનો તેમણે ખુદ એક વીડિયો શેર કર્યો છે. ૨૩ વર્ષીય દેશના સ્ટાર ભાલા ફેંક એથલીટ નીરજ ચોપડા માદીવના ફુરવેરી રિઝૉર્ટમાં રોકાયા છે. તેમણે અહીં સ્કૂબા ડાઈવ દરમિયાન પાણીની નીચે ભાલો ફેંકવાની નકલ કરી.જેનો વીડિયો તેમણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો. વીડિયોના કૈપ્શનમાં નીરજે લખ્યું, આકાશ પર, જમીન પર કે પાણીની અંદર હું હંમેશા ભાલો ફેંકવા વિશે વિચારું છું. તેમણે આગળ લખ્યું ટ્રેનિંગ શરૂ થઈ ગઈ છે. નીરજ ચોપડાએ વ્યસ્ત કાર્યક્રમ અને બીમારીના કારણે પોતાની સીઝન ઝડપથી ખતમ કરી દીધી. તેઓ ભારતના ઓલંપિક ઈતિહાસમાં સ્વર્ણ પદક જીતનારા ફક્ત બીજા ભારતીય છે.તેમણે ટોક્યો ઓલંપિક દરમિયાન પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધામાં ૮૭.૫૮ મીટર થ્રો કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે આ થ્રો પોતાના બીજા પ્રયાસોમાં કર્યો હતો.