શકિતની ભકિતના નવલા નવરાત્રિ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લાના યુવાધનને સૌથી વધુ આકર્ષતા નવરાત્રિના આગવા આકર્ષણરૂપ વસ્ત્રો અને આભૂષણોની ખરીદી માટે શહેરના પીરછલ્લા શેરી, વોરાબજાર સહિતની બજારોમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. મોંઘવારી અને મટીરીયલ્સના ભાવમાં વધારો થતા નવરાત્રિના વસ્ત્ર અને આભૂષણોના ભાવમાં પણ ૧૦ થી ૨૦ ટકાનો વધારો નોંધાયો છે. તેમ છતાં પણ તેની લોકપ્રિયતામાં ઘટાડો થયો નથી. આ વર્ષે કોરોનાને લીધે સાર્વજનિક આયોજનો બંધ રહેતા તેની ભાડે ડ્રેસ આપવાના વ્યવસાય પર અસર પડી છે. આ વ્યવસાય પર અનેક શ્રમજીવી પરિવારો નિર્ભર હોય છે. આગામી માસમાં શરૂ થનાર નવરાત્રિ મહોત્સવ દરમિયાન શેરી ગરબામાં પ્રતિદિન એક એકથી ચડીયાતા વિવિધ જાત-જાતના વસ્ત્રો અને આભુષણો પહેરીને યુવાનોએ રાસગરબાના ગૃપમાં અલાયદા અને મનોહર દેખાવા માટેની આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉપરોકત વિવિધ બજારોમાં તેમજ બ્રાન્ડેડ કાપડના શોરૂમ તેમજ મોલમાં નાના ભૂલકાઓથી લઈને મોટેરાઓ માટે અલગ અલગ જાતના નીતનવા ડિઝાઈનર આભૂષણો અને વસ્ત્રોની બજારોમાં ધૂમ ખરીદી થઈ રહી છે. આ સાથે આવા વસ્ત્રો અને આભૂષણોનું માર્કેટ સોશ્યલ મિડીયા પર પણ વાયરલ થતા તેની યુવાવર્ગ દ્વારા ઓનલાઈન ખરીદી અને પેમેન્ટ પણ નેટબેકીંગ મારફત થઈ રહ્યુ છે. આ વર્ષે નવરાત્રિમાં બહેનો માટે ચણીયાચોળી, સનેડો, ગામઠી અને કચ્છી સંસ્કૃતિવાળા ચણીયાચોળી, નવરંગી ઓઢણીવાળા બ્રોકેડ પટ્ટાવાળા ચણીયાચોળીની કોલેજીયનોમાં ભારે ડિમાન્ડ યથાવત રહી છે.તેમ જણાવી એક વિક્રેતાએ વધુમાં ઉમેર્યુ હતુ કે, નવરાત્રિના વસ્ત્રોનું નોરતાના ૨૦ થી૨૫ દિવસ અગાઉથી જ વેચાણ શરૂ થઈ જાય છે.અને શાળા તેમજ કોલેજના વિદ્યાર્થીભાઈઓ તથા બહેનોનું તેનું સૌથી વધુ આકર્ષણ છે. જયારે ભાઈઓ માટે નવરાત્રિમાં બાટીક પ્રિન્ટ, બાંધણીવાળા બ્લોકપ્રિન્ટવાળા કેડીયુ ચોરણી, વર્કવાળા કુર્તા, ઝભ્ભા અને જીન્સની ડિમાન્ડ જણાય છે. બહેનો માટેના આભૂષણોમાં દામણી, કલરવાળા બાજુ,બલોયા, બે અને ત્રણ સ્ટેપવાળા ડોકીયા, કંદોરા, વેરાયટીવાળી માળાઓ, ટીકો, બુટી, ડોળીયા, પોખાની વ. ઓકસોડાઈઝ સેટોના ભાવમાં ગત વર્ષની તુલનામાં વધારો થતા તેની ખરીદીના બદલે ભાડે લેવાનો વર્ગ વધ્યો છે. આ વર્ષેે કોરોનાને લઈને પ્રોફેશ્નલના બદલે શેરી ગરબાની છુટ મળતા ખેલૈયાઓ અને ખેલૈયાઓના વિવિધ ગૃપોમાં નવરાત્રિને ખરા અર્થમાં ન માણી શકવાનો રંજ જરૂર જોવા મળી રહ્યો છે. જુની સાડી, સેલા અને ડ્રેસમાંથી ચણીયાચોળી તૈયાર કરાવાય છે..મોંઘવારી સહિતના કારણોસર મધ્યમવર્ગીય ગૃહિણીઓ જુની સાડી,સેલા કે ડ્રેસમાંથી પણ તેમના સંતાનો માટે ચણીયાચોળી તૈયાર કરાવતી હોય છે. કોરોના,મોંઘવારી તેમજ ફકત શેરીગરબાને મંજુરી વગેરે કારણસર આ વર્ષે શહેરમાં નવરાત્રિના વસ્ત્રો અને આભુષણોના વેચાણ માટેના એકઝીબીશન કમ સેલની સંખ્યામાં ઘટાડો જણાય છે..