દેશમાં ૨૦૯ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ : કુલ ૯૧૫૪૬૫૮૨૬ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે, છેલ્લા ૨૪ કલાકમાં ૭૨,૫૧,૪૧૯ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા
નવી દિલ્હી,તા.૫
કોરોના વાયરસ સંક્રમણના મામલામાં દેશ હવે રાહતની શ્વાસ લઈ રહ્યો છે. ભારતમાં ૨૦૯ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. કેરળમાં સંક્રમણનું જોર ઘટી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૮ જેટલા લોકો સંક્રમિત થયા છે જે પૈકી કેરળમાં ૮,૮૫૦ લોકો સંક્રમિત થયા છે. ગુજરાતમાં પણ કોવિડ-૧૯ના કેસો પર મહદઅંશે કાબૂ મેળવાયો છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગે મંગળવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૮,૩૪૬ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૬૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૮,૫૩,૦૪૮ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૯૧,૫૪,૬૫,૮૨૬ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૨,૫૧,૪૧૯ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૩૧ લાખ ૫૦ હજાર ૮૮૬ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૯,૬૩૯ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૨,૫૨,૯૦૨ એક્ટિવ કેસ છે. દેશમાં રિકવરી રેટ ૯૭.૯૦ ટકા થયો છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૯,૨૬૦ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૪ ઓક્ટોબર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૭,૫૩,૯૪,૦૪૨ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના ૨૪ કલાકમાં ૧૧,૪૧,૬૪૨ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૪ કેસ નોંધાયા છે. જેની સામે ૨૨ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૨ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. રાજ્યમાં આજની તારીખે રસીના કુલ ૬,૨૦,૧૦,૧૦૧ ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં ૪ ઓક્ટોબર ૨૦૨૧ની સાંજે રાજ્યના ૩૦ જિલ્લા અને ૫ મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા ૧૪ કેસ ફક્ત ૩ જિલ્લા અને ૩ મનપામાં નોંધાયા છે, જેમાંથી અમદાવાદ શહેરમાં ૦૬, સુરત શહેરમાં ૪, સુરત જિલ્લામાં ૧, વલસાડમાં ૧, ભાવનગર જિલ્લામાં ૧ કેસ નોંધાયો છે. રાજ્યમાં ૪ ઑક્ટોબરે સાંજના કોરોના બૂલેટિન મુજબ ફક્ત ૧૭૨ એક્ટિવ કેસ છે આ પૈકીના ૦૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ૧૬૯ દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી ૮,૧૫, ૭૬૨ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે.