અપાચે અને રાફેલ વાયુસેનામાં સામેલ થયા બાદ દેશની સેનાની તાકાત વધી ગઈ હોવાનો વીઆર ચૌધરીનો દાવો
નવી દિલ્હી,તા.૫
લદ્દાખ મોરચે ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા તનાવ વચ્ચે તાજેતરમાં એવા અહેવાલ સામે આવ્યા હતા કે, ચીને મોટા પાયે અહીંયા સૈનિકોની તૈનાતી કરી છે. હવે ભારતીય વાયુસેનાના ચીફ એર માર્શલ વી આર ચૌધરીએ પણ કહ્યુ છે કે, પૂર્વ લદ્દાખમાં ચીનની વાયુસેના હજી પણ મોજુદ છે. જોકે તેનાથી ભારત પર કોઈ અસર નહીં થાય. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની યુધ્ધ ક્ષમતામાં વધારો થયો છે. અપાચે અ્ને રાફેલ વાયુસેનામાં સામેલ થયા બાદ આપણી તાકાત વધી ગઈ છે. નવા હથિયારોને પણ એરફોર્સમાં સામલે કરાઈ રહ્યા હોવાથી એરફોર્સની મારક ક્ષમતા પણ વધી ચુકી છે. તેમણે કહ્યુ હતુ કે, તાજેતરમાં જમ્મુમાં ડ્રોન એટેક થયો તેના ચાર વર્ષ પહેલાથી એન્ટી ડ્રોન ક્ષમતા વિકસાવવા પર કામ શરૂ થઈ ગયુ છે અને આ તમામ સિસ્ટમ ભારતમાં જ બની રહી છે. વી આર ચૌધરીએ કહ્યુ હતુ કે, વાયસેનાને આગામી દિવસોમાં હિન્દુસ્તાન એરોનોટિકસ લિમિટેડ પાસેથી ૬ લાઈટ યુટિલિટી હેલિકોપ્ટર મળવાના છે. આ હેલિકોપ્ટર તમામ પ્રકારના હવામાનમાં ઉડાન ભરવા માટે સક્ષમ છે અને તે ૭૦૦૦ કિમીનુ અંતર કાપી શકે છે. વાયુસેના માટે ડ્રોન ડેવલપ કરવા માટે સ્ટાર્ટઅપને કોન્ટ્રાક્ટ આપવાનો પણ વિચાર છે. તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાન અને પીઓકેમાં હવાઈ મોરચાને લઈને ભારતે વધારે ચિંતા કરવાની જરૂર નથી. કારણકે મોટાભાગની લેન્ડિંગ સ્ટ્રીપ નાની છે અને તે હેલિકોપ્ટર માટે જ ઉડાન ભરવા મદદગાર સાબિત થાય છે. કોરોનાના કાળમાં વાયુસેનાએ ૧૮ દેશોમાંથી મેડિકલ સપ્લાય અને ઓક્સિજન ભારત પહોંચાડ્યો હતો. ભારતમાં આ દરમિયાન વાયુસેનાના વિમાનોએ ૨૬૦૦ કલાકની ઉડાન ભરી હતી.