ઝાયરાએ બોલિવૂડ છોડ્યા બાદ પહેલી વખત ફોટો શેર કર્યો

297

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ,તા.૭
દંગલ અને સિક્રેટ સુપરસ્ટાર જેવી ફિલ્મોથી જાણીતી બનેલી ઝાયરા વસીમે બોલિવુડ છોડ્યા બાદ પહેલી વખત પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. ઝાયરાએ કહ્યું હતું કે, તે એક્ટિંગ કરિયર છોડી રહી છે કેમકે એ તેની ધાર્મિક માન્યતા અને આસ્થાથી મેળ નથી ખાતું. ત્યારબાદ ઝાયરાએ બધા જ ફોટો સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી ડિલીટ કરી નાખ્યા હતા. લેટેસ્ટ ફોટોમાં ઝાયરા વસીમ એક પુલ પર ફરતી જોવા મળી છે. ઝાયરાએ બુરખો પહેર્યો છે અને તેની પીઠ કેમેરા તરફ છે. ફોટોમાં તેનો ચહેરો નથી દેખાતો. તેણે કેપ્શનમાં લખ્યું કે, ઓક્ટોબરનો તપતો સૂરજ. પૂર્વ એક્ટ્રેસના આ ફોટો પર અત્યારસુધી ૧ લાખથી વધુ લાઈક આવી ચૂકી છે. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ, ઝાયરાએ નવેમ્બર ૨૦૨૦માં ચાહકોને પણ વિનંતી કરી હતી કે, તેઓ એના ફોટોઝ સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી નાખે. કેમકે, તે પોતાના જીવનનો નવો તબક્કો શરુ કરી રહી છે. ઝાયરાએ પોતાની એક્ટિંગથી દર્શકોના દિલો પર છાપ છોડી છે અને નેશનલ એવોર્ડ પણ જીતી ચૂકી છે. ૨૦૧૯માં ઝાયરાએ ફેસબુક પર લાંબી પોસ્ટ મૂકી હતી અને તેને દરેક જગ્યાએ શેર કરી હતી. ઝાયરા વસીમે લખ્યું હતું કે, ‘પાંચ વર્ષ પહેલાં મેં એક નિર્ણય લીધો હતો. જેનાથી મારું જીવન હંમેશા માટે બદલી ગયું. મેં જેવા બોલિવુડમાં પગ માંડ્યા, મારા પોપ્યુલર થવાના દરવાજા ખૂલી ગયા, હું લોકોની નજરોમાં આવવા લાગી. મને સફળતાના પ્રતિક તરીકે રજૂ કરવામાં આવી અને યુવાનોની રોલ મોડેલ તરીકે દેખાડવામાં આવી. જોકે, મેં આવું કંઈપણ કરવાનો કે બનવાનો પ્રયત્ન કર્યો ન હતો, ખાસ તો સફળતા અને નિષ્ફળતાના વિચારો અંગે, જે મેં સમજવાનું હજુ તો શરુ જ કર્યું હતું.’ ઝાયરાએ કહ્યું હતું કે ફિલ્મ ક્ષેત્રે તેણે પાંચ વર્ષ પૂરા કર્યા છે. પણ તે પોતાની આ ઓળખ કે કામથી ખુશ નથી. ઉલ્લેખનીય છે કે, ઝાયરા છેલ્લે પ્રિયંકા ચોપરા સાથે ‘ધ સ્કાય ઇઝ પિંક’ ફિલ્મમાં જોવા મળી હતી. ત્રણ પણ મહત્વની ફિલ્મો કર્યા બાદ તે એક અદભુત અદાકારા તરીકે સ્થાપિત થઈ હતી એટલે તેના બોલિવુડ છોડવા અંગે ચાહકો અત્યંત નિરાશ થયા હતા.

Previous articleસન્યા મલ્હોત્રા અને મિરાકલ ફાઉન્ડેશન સાથે બોડી શોપ ઇન્ડિયા પાર્ટનર્સ લાઇટલિટલલાઇફ આ ફેસ્ટિવ સીઝન
Next articleઆઇપીએલમાં આરસીબીનો હર્ષલ પટેલ બન્યો સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય