ગાંધીનગર જિલ્લામાં જળસંચય અભિયાનનો પ્રારંભ

1331
gandhi252018-3.jpg

રાજયભરમાં તા.૧ લી મે ગુજરાત રાજયના સ્થાપના દિને રાજય સરકારના મહા જળયજ્ઞ મીશન અન્વયે સુજલામ – સુફલામ જળ અભિયાનનો રાજય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીનના હસ્તે સુઘડ, બાલવા અને પરબતપુરા ગામે તળાવ ઉંડા કરવાનો પ્રારંભ કર્યો હતો. આવનાર વર્ષોમાં જળ સંકટના નિવારણ માટેનું આ જળ અભિયાન એક જન આંદોલન બને તથા લોકોની ભાગીદારી અને શ્રમદાન દ્વારા જળ સ્ત્રોતોના પુનઃજીવનનું મીશન સાર્થક કરવા નરહરિ અમીને આહૂવાન કર્યું હતું. ગામડાઓનો વિકાસ જળ ઉપર નિર્ભર છે. ત્યારે લોકોમાં જન જાગૃતિ આવેઅને પાણી બચાવવામાં મહિલાઓ જાગૃતિ દાખવી નોંધપાત્ર યોગદાન આપશે. તો રાજય સરકારનો જળ નિર્ધારનો કાર્યક્રમ સફળ બનશે. 
ગાંધીનગરના ધારાસભ્ય શંભુજી ઠાકોર, ગાંધીનગર મહાનગર પાલિકાના મેયરે જળ સંચય અભિયાનને સફળ બનાવવા કુદરતી સંશાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા જણાવ્યું હતું. 
ગાંધીનગર જિલ્લા પ્રભારી સચિવ સંજીવકુમારે જળ સંચય માટે લોકભાગીદારી અને શ્રમદાન દ્વારા અમૃત સમાન પાણી બચાવવા અને કુદરતી જળસ્ત્રોતનો સંયમથી ઉપયોગ કરવા જણાવ્યું હતું. 
ગાંધીનગર કલેકટર એસ.કે.લાંગાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, સુધડ ગામે જળ સંચયનો આ સુધડ પ્રસંગ છે. રાજય સરકારના પાંચ વિભાગો દ્વારા હાથ ધરેલ આ મહા જળયજ્ઞ દ્વારા લોકોમાં પાણીનો વિવેક અને કરકસર પૂર્વક ઉપયોગ થાય તથા જળની લોકોને કિંમત સમજાશે. તો જ ભવિષ્યમાં જળ સંચયના ફળદાયી પરિણામો પ્રાપ્ત થશે. સુધડ ગામનું તળાવ ૩.૨૫ હેકટર ક્ષેત્રફળ ધરાવે છે. આ તળાવમાં ૧.૩૩ મીલીયન ક્યુબીક ફીટ પાણીની સંગ્રહ શક્તિ વધીને તળાવ ઉંડું કર્યા પછી ૨.૨૩ મીલીયન કયુબીક ફીટ થશે. જિલ્લાના ૧૮૦ તળાવો ઉંડા કરવા ૫૪૦ જેસીબી /હીટાચી તથા ૧૫૦૦ જેટલા ડમ્પર-ટ્રેકટર મળી કુલ- ૨૦૭૦ યુનીટની મશીનરી આ જળયજ્ઞમાં વપરાશે. ગાંધીનગર મનપાના મ્યુનિસીપલ કમિશનર  એસ. એલ. અમરાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. 
કલોલ તાલુકાના બાલવા અને માણસા તાલુકાના પરબતપુરા ગામે પણ સ્થાનિક સાધુ-સંતોની ઉપસ્થિતિમાં બંને ગામના તળાવ રૂ. નવ લાખના ખર્ચે ઉંડા થવાથી અનુક્રમે ૧.૫૦ મીલીયન કયુબીક ફીટ તથા ૧.૭૫ મીલીયન કયુબીક ફીટ પાણીની સંગ્રહશક્તિમાં વધારો થશે. 
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અમીતભાઇ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ નૈલેશભાઇ શાહ, ગાંધીનગર પ્રાંત અધિકારી ઋતુરાજ દેસાઇ, કલોલ પ્રાંત અધિકારી કે.વી. ભોલોડિયા, નાયબ કલેકટર જિજ્ઞાસા વેગડા સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લા વિકાસ અધિકારી હિતેશભાઇ કોયાએ આભાર વિધી કરી હતી.

દહેગામ તાલુકામાં ખારી નદીને પુનઃજીવીત કરવાના અભિયાનનો ચેખલાપગી ગામે પ્રારંભ

ગાંધીનગર જિલ્લા જળસ્ત્રાત્ર વિકાસ એક્મ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી દહેગામ તાલુકામાં ખારી નદીને પુનઃ જીવીત કરવાના નવતર અભિયાન અંતર્ગત દહેગામ તાલુકાના ચેખલાપગી ગામે રૂ. ૨૯.૫૫ લાખના જળ સંચયના વિકાસ કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 
ગાંધીનગર જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમના પ્રાયોજનના નિયામક રમેશ દેસાઇએ જણાવ્યું હતું કે, દહેગામ તાલુકાના ચેખલાપગી ગામ ખાતે ખારી નદીને પુનઃ જીવીત કરવાના નવતર અભિયાનના ભાગરૂપે નદીના કેચમેન્ટ વિસ્તારમાં ભુગર્ભ જળ સંચયના કામો માટે ૪૩૨ હેકટર વિસ્તારમાં બે ચેકડેમ, ૧૨ પથ્થર પાળાબંધીના ૧૦ નાળા પ્લગના અને વનીકરણ સહિત કુલ રૂ. ૨૯.૫૫ લાખના જળ સંચયના વિકાસકામો હાથ ધરવાનું આયોજન કર્યું છે.
ખારી નદીને પુનઃ જીવીત કરવા દહેગામ તાલુકાના ચેખલાપગી, કંથારપુરા, બાબરા, ધનીયોલ, નાના જલુન્દ્રા, બીલમણા, ધારીસણા, પાટનાકુવા અને વડવાસા એમ કુલ નવ ગામોમાં ૨૧ ચેકડેમ, ૭૯ પથ્થર પીચીંગ સાથે માટીવાળા, ૭૯ નાળા પ્લગ અને નવ હેકટરમાં વનીકરણ સહિત કુલ ૧૮૮ વિકાસકામો રૂ. ૨૨૫ લાખના ખર્ચે હાથ ધરાશે. 
જેમાં કંથારપુર – રૂ. ૨૬.૫૫ લાખ, બાબરા- રૂ.૩૬ લાખ, ધનીયોલ-રૂ. ૨૬.૫૫ લાખ, નાના જલુન્દ્રા રૂ. ૧૭.૫૫ લાખ, બીલમણા- રૂ. ૨૩.૫૫ લાખ, ધારીસણા- રૂ. ૩૩.૫૫ લાખ, પાટનાકુવા – રૂ. ૨૯.૫૫ લાખ અને વડવાસામાં રૂ. ૩ લાખના ખર્ચે ખારીનદીને પુનઃજીવિત કરવા માટે જળ સંચયના વિવિધ વિકાસ કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગામોના લોકો સહયોગ આપી શ્રમદાન કરી યોગદાન આપશે. 

ગાંધીનગર મનપા દ્વારા સાબરમતી નદીમાં ઝાડી-ઝાખરા દૂર કરી જળ સંચય અભિયાનનો પ્રારંભ 

ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત સાબરમતી નદીના પાણીના આવરામાં આવતાં ઝાડી-ઝાખરા દૂર કરવાનો પ્રારંભ ઇન્દ્રોડા ખાતે નદીના પટમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર પ્રવિણભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર એસ.એ.અમરાણી, ડેપ્યુટી મેયર મહેન્દ્રસિંહ ચાવડા તથા કોર્પોરેશનના કાઉન્સિલરોની ઉપસ્થિતમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકા દ્વારા બે જેસીબી, બે ડમ્પર અને ૧૦૦ જેટલા કામદારોએ જળ સંચય અભિયાનમાં શ્રમદાન કર્યું હતું. 
મેયર પ્રવિણભાઇ પટેલે પાણીનું મહત્વ સમજવી પર્યાવરણના રક્ષણ અને પાણીનો સંચય કરી જળ સ્ત્રોતના મિશનને પાર પાડવા રાજય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનમાં નાગરિકોને જોડાવવા અપીલ કરી હતી. 

Previous articleમધૂર ડેરી હવે શાકભાજી અને મીનીરલ પાણી સાથે બજારમાં ઉતરશે
Next articleપર પ્રાંતમાં ગુના આચરી નાસતી ફરતી ગેંગ ગારિયાધાર ખાતેથી ઝડપાઈ