ભાવનગરના પ્રોડક્શન હાઉસ 8 આઈસ પ્રોડક્શનના બેનર દ્વારા બની છે ફિલ્મ
કોરોનાના સમય બાદ હવે સરકાર દ્વારા સિનેમાઘરોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે ફિલ્મો રિલીઝ કરવાની મંજૂરી આપી છે. ત્યારે દર્શકો પણ હવે ગુજરાતી ફિલ્મોને સીનેમાઘરોમાં જઈને જોઈ રહ્યા છે. તેવા સમયમાં આગામી 22 ઓક્ટોબરના રોજ એક અદભુત વિષય પર બનેલી ફિલ્મ ‘જીવન આખ્યાન’ રજૂ થવા જઈ રહી છે. “જીવન આખ્યાન” આ વાર્તા એક એવા શેરીના સુપર સ્ટારની છે. જેને આખ્યાન રમવાની કળા તેના પિતાના વારસામાં મળી છે, અને આ વાતનો વસવસો તેના પિતાને પણ છે. આ ફિલ્મનું નિર્માણ સાનવી ફિલ્મ પ્રોડકશન અને ભાવનગરના જ જાણીતા ‘8 આઈસ પ્રોડક્શન ‘ દ્વારા કરવામાં આવ્યું છે. કારણ કે આજ કાલના આ ટિક્ટોક, ડીજીટલ જગત અને વેબસીરીઝના જમાનામાં ગામ શેરીમાં રહેલી લોકકલાઓ વિસરાતી જાય છે. આ કલાનો વારસો જાળવી રાખવા માટેના અથાગ પ્રયત્નો થઇ રહ્યા છે, પરંતુ પ્રોત્સાહનોની કમીને કારણે યોગ્ય પરિણામ મળતા નથી. વિવિધ સોશિયલ પ્લેટફોર્મ પર નખરા કરીને વધુમાં વધુ ફોલોઅર્સ અને લાઇક્સ મેળવવાવાળાઓને રોકડથી માંડીને એવોર્ડ સુધીના પ્રોત્સાહનો મળે છે પણ આખી જીંદગી આખ્યાન, ભવાઈ કે શેરી નાટક કરતા અસ્સલ કલાકારો જીવનની આંટીઘૂંટીમાં ક્યાંક ખોવાય જાય છે અને જેમની કોઈ નોંધ પણ નથી લેવાતી.
બે પેઢીઓ તથા બે જીવનશૈલિઓ વચ્ચેના તફાવત અને સંઘર્ષને રજુ કરે છે
આ વાર્તા એવાજ એક કલાકાર ગોપાલની છે. “જીવન આખ્યાન” બે પેઢીઓ તથા બે જીવનશૈલિઓ વચ્ચેના તફાવત અને સંઘર્ષને રજુ કરે છે. ફિલ્મમાં ઘણા કલાકારો નવા છે પણ અસલ કલાકારો છે, જેમને તેમના પાત્રોને બખુબી નિભાવ્યાં છે. મુખ્ય પાત્રોમાં જીત માલવિયા, મનસ્વી પટેલ, ધરમ સાવલાની, તૃપ્તિ જાંબુચા, વિપુલ જાંબુચા, ભાવેશ નાયક, પિયુષ પટેલ, નિશિથ નાયક, અમિત ગલાની, ઉત્તમ કાંસોદરીયા, હિના બેલાની, કિન્નલ નાયક, તારણ ઓઝા, યશરાજ જાંબુચા, હર્ષરાજ જાંબુચા, કુણાલ જાંબુચા, જોલી જાંબુચા, સિદ્ધાર્થ દેસાઈ તથા દેવાંશી જાનીએ અભિનયના ઓજસ પાથર્યા છે. ફિલ્મની વાર્તા તથા ગીતો મૂળ ભાવનગરના જ એવા વિપુલ બાબુભાઇ જાબુંચાએ લખ્યા છે. જેને સંગીતબદ્ધ કર્યા છે ગુજરાતી સિનેજગતના જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટે.
ભાવનગર અને શિહોર વિસ્તારમાં ફિલ્મનું નિર્માણ
હેમંત ચૌહાણ, સાધના સરગમ, ધ્રુવરાજ સિંહ રાણા અને જીગરદાન ગઢવીના સ્વરોમાં ગવાયેલા ગીતો પણ ખુબજ પ્રચલિત થયા છે. એકદમ નવા વિષય અને નવા રંગોથી સજાવાયેલ આ ફિલ્મનું કિશોર આહીર અને તૃપ્તિ જાંબુચા દ્વારા ગત વર્ષે ભાવનગર અને શિહોર વિસ્તારમાં ખુબજ મહેનત અને કાળજીપૂર્વક નિર્માણ કરવામાં આવેલું હતું. કોરોના મહામારીને કાબુમાં લેવા માટેના સરકારી પ્રતિબંધોના કારણે આ ફિલ્મ ઘણા સમયથી તૈયાર થઇને રજુ થવાની રાહે રોકાયેલી હતી. પરંતુ હવે આખરે સરકાર દ્વારા પરવાનગી આપતા જોશભેર ગુજરાતભરના સિનેમાઘરોમાં આગામી 22 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે ત્યારે ભાવનગર, સૌરાષ્ટ્રની સંસ્કૃતિને ઉજાગર કરતી લોકકળાને દર્શાવે છે તેથી આ વિસ્તારોના દર્શકોથી માંડીને ગુજરાતના અને ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓને પણ આ ફિલ્મ જરૂર ગમશે તેમ ફિલ્મના કલાકારો અને નિર્માતાઓનું કહેવું છે.