બોટાદ જિલ્લા કાનુની સેવા સત્તામંડળ ડીસ્ટ્રીક્ટ કોર્ટ તેમજ બોટાદ જિલ્લા વહીવટી તંત્રના સહયોગ દ્વારા બોટાદ સ્થિત નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે ડીસ્ટ્રીકટ કોર્ટના પ્રિન્સીપાલ જજ એ.આઈ.રાવલના અધ્યક્ષસ્થાને મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં અધ્યક્ષ અને ડીસ્ટ્રીકટ કોર્ટના પ્રિન્સીપાલ જજ એ.આઈ.રાવલે પ્રસંગને અનુરૂપ પ્રવચન કરતા જણાવ્યું હતું કે, છેવાડાના લોકોને સરકારી લાભો મળી રહે, એક જ સ્થળેથી સરકારશ્રીની વિવિધ યોજનાકીય લાભો માટે અરજી કરી શકે તે માટે જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીના સહકારથી તથા છેવાડાના તેમજ સ્થાનિક લોકોને અસંગઠીત ક્ષેત્રના કામદારોની સમસ્યા અને તેમને સંબંધિત જે કાયદાઓ છે તેની અને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર બને તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં બોટાદ બાર એસોસીએશનના સિનીયર એડવોકેટ જે.એસ.પટેલે અસંગઠીત ક્ષેત્રના કામદારોની સમસ્યા અને તેમને સંબંધિત જે કાયદાઓ છે તેની વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું તથા જિલ્લા નિવાસી અધિક કલેકટર મુકેશ પરમારે સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા. સાઈબર ક્રાઈમ વિષય પર જિલ્લા સરકારી વકીલ શ્રીકે.એમ.મકવાણાએ તેમજ ગ્રાહક સુરક્ષા અધિનિયમ પર બોટાદ બાર એસોશીએશન સીનીયર એડવોકેટ એન.જી.વડોદરીયાએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સીનેશન કેમ્પનું પણ આયોજન કર્યું હતું જેનો બહોળા પ્રમાણમાં બોટાદના નાગરિકોએ લાભ લીધો હતો.