કલેક્ટરએ પણ વિશેષરૂપે ઉપસ્થિત રહીને સમાજના ઉપેક્ષિત મનાતાં આ વર્ગને પ્રેરકબળ
જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, ભાવનગર દ્વારા ભાવનગર જિલ્લામાં વસતા ’ટ્રાન્સજેન્ડર’ (કિન્નર) વ્યક્તિઓ માટે સમાજમાં સંવેદનશીલતા વધે તે હેતુથી એક અનોખા રાસ – ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોતીબાગ ખાતે આવેલાં આંબેડકર હોલ ખાતે ધી ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) એક્ટ, ૨૦૧૯ નો પ્રસાર વધે તે માટે યોજાયેલાં આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ટ્રાન્સજેન્ડર સમૂદાયના વ્યક્તિઓ રાસ ગરબાં માટે ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ ઉપસ્થિત રહીને સમાજ દ્વારા સમાજ દ્વારા ઉપેક્ષિત એવાં આ સમૂદાયના લોકોને પ્રેરકબળ પૂરું પાડ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, જિલ્લા સમાજ સુરક્ષા વિભાગે નવરાત્રીના આ પાવન અવસરે આવો કાર્યક્રમ કરીને એક નવો ચીલો ચાતર્યો છે. આવા કાર્યક્રમથી આવાં વ્યક્તિઓ માટે સમાજમાં સહાનુભૂતિ વધશે. તેમણે ઉપસ્થિત ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ સાથે સંવાદ કરી તેઓને પડતી મુશ્કેલીઓને જાણી હતી. આવાં વ્યક્તિઓને સરકારી યોજનાના લાભો અંગેની મદદ મળી રહે તે સમાજ સુરક્ષા અધિકારીને તેમણે સૂચના આપી હતી. જાણીતા એડવોકેટ નલીનીબેન પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ટ્રાન્સજેન્ડર સમૂદાયનો ઉત્સાહ વધાર્યો હતો. સમાજ કલ્યાણ વિભાગના વૈશાલીબેન જોષી સહિતના અધિકારીઓએ વિશેષ રસ લઇને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.