દુબઇ,તા.૧૬
વિરાટ કોહલી દુનિયાનો શાનદાર બેટ્સમેન છે અને દરેક જગ્યાએ તેણે આ વાત સાબિત પણ કરી છે. તે પછી ઇન્ડિયન પ્રીમિયર લીગની હોય કે પછી ઇન્ટરનેશનલ લેવલની ક્રિકેટ. વિરાટ કોહલીના આંકડા એ જાહેર કરે છે કે તે કેટલો શાનદાર બેટ્સમેન છે પરંતુ એક કેપ્ટન તરીકે આઇપીએલમાં તે નિષ્ફળ રહ્યો. તેના પર આ ડાઘ આખી જિંદગી રહેશે કે તે પોતાની કેપ્ટન્સીમાં આ ટીમને એક વખતે પણ ટાઇટલ અપાવી ન શક્યો.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઇપીએલમાં બહાર થયા બાદ ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે વિરાટ કોહલી પર તીખો પ્રહાર કર્યો છે. ગૌતમ ગંભીરે ક્રિકઇન્ફો પર વાત કરતા કહ્યું કે રણનીતિ બનાવવાની બાબતે વિરાટ કોહલી સક્ષમ કેપ્ટન નથી. તે એનર્જી અને પેશનની નજરે બેસ્ટ કેપ્ટન હોય શકે છે પરંતુ જ્યાં સુધી વાત મેચના અભ્યાસ અને પ્રેક્ટિસની આવે છે તે એટલો સક્ષમ નથી દેખાતો જેટલા હોવું જોઈએ. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની લાંબા સમય સુધી કેપ્ટન્સી કરી અને આ દરમિયાન બધુ તેણે જ કરવાનું હતું. ગંભીરે આગળ કહ્યું કે ટીમને પોતાના હિસાબે બનાવવાની જવાબદારી પણ હતી પરંતુ તે તેમાં સફળ ન થઈ શક્યો ટી ૨૦ ક્રિકેટમાં તમારે ગેમથી આગળ રહેવાની જરૂરિયાત હોય છે ન કે ગેમ સાથે. તેણે સ્કોરિંગ મેચ બાબતે વાત કરતા કહ્યું કે જ્યારે તમારી પાસે ઓછો સ્કોર હોય છે તો તમારે બોલથી એકદમ આગળ રહેવાની જરૂરિયાત હોય છે. આપણે એ પણ જોયું કે કઈ રીતે ડેનિયલ ક્રિશ્ચિયની એક ઓવરે મેચને સંપૂર્ણ રીતે બદલી નાખી અને વિરાટ કોહલીએ પણ મેચ બાદ આ વાત કહી હતી કે આ ઓવરના કારણે મેચ પલટાઈ ગઈ હતી. તે ટીમની હાર પાછળનું સૌથી મોટું કારણ બન્યું હતું.આ મેચમાં જ્યારે ડેનિયલ ક્રિશ્ચિયન બોલિંગ કરી રહ્યો હતો ત્યારે બેટિંગ કરી રહેલા સુનિલ નરીને સતત ત્રણ સિક્સ લગાવીને મેચની કાયાપલટ કરી નાખી હતી. કોલકાતા નાઈટ રાઇડર્સે આખરે આ મેચ ૪ વિકેટે જીતી લીધી હતી.