બોટાદ જીલ્લાના ગઢડા ગામે શ્રી ગોપીનાથજી મહારાજ મંદીરનાં ૧૯૨ માં વાર્ષિક પાટોત્સવમાં મુખ્યમંત્રી સહભાગી થયા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, લોકોને સરળતાથી વધુ સુવિધા મળે તેવા જનકલ્યાણના કાર્યો હાથ ધરી સરકારનાં યોજનાકીય લાભ છેવાડાનાં માનવી સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આજે બોટાદ જિલ્લાનાં પ્રસિદ્ધ તિર્થધામ ગઢડા ખાતે નવનિર્મિત શ્રી લીંબતરૂં યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યાં બાદ શ્રી ગોપીનાથજી મહારાજનાં ૧૯૨ માં વાર્ષિક પાટોત્સવમાં સહભાગી થયેલ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સંત સમાગમથી જ જીવન-મૃત્યુના ચક્કરમાંથી મુક્ત થઇ શકાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતોના ચરણોમાં જઇએ ત્યારે જે શાતા મળે છે તે અવર્ણયીય છે. ભગવાન સ્વામિનારાયણ તેમના જીવનના ૫૦ વર્ષોમાં થી ૩૦ વર્ષો ગઢડાની ભૂમિ પર વિતાવ્યાં છે, તેવું પવિત્ર તીર્થધામ ગઢડા છે. ભગવાન સ્વામિનારાયણ ધર્મ સાથે જોડાયેલાં રહેવાનો સંદેશો તેમના કર્મોથી ફેલાવ્યો હતો તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, વચનામૃત વાંચીએ ત્યારે આપણને લાગે કે તેને યોગ્ય જીવન જીવીએ છીએ, પરંતુ વાસ્તવમાં તેમ હોતું નથી. જીવનને ઉન્નત દિશામાં લઇ જવાં માટે સંતોનાં ચરણોમાં જવું જરૂરી છે. ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલા માર્ગે જ વિશ્વ સમસ્તનું કલ્યાણ થઇ શકશે. આપણા ધર્મના મંદિરોમાં જઈએ ત્યારે આપણે નીજધામમાં પધાર્યા હોય તેવી લાગણી થાય છે તેની પાછળ આપણું સંસ્કૃતિનું સત્વ રહેલું છે. તેમણે કહ્યું કે, સરકાર એકલા હાથે બધું ન કરી શકે, સૌ સાથે મળીને કાર્ય કરીએ ત્યારે મોટા કાર્યો પણ સરળતાથી સિદ્ધ થતાં હોય છે. કોરોનાનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, સરકાર તરીકે જ્યાં જરૂર હશે ત્યાં અમે જરૂર ઊભા રહીશું. નાણાંનાં અભાવે અમે કોઈ કાર્યો અટકવા દીધા નથી. સામાન્ય પ્રજાનું કલ્યાણ એ જ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સહયોગથી કોરોનાકાળમાં પણ રાજ્ય સરકારે વિકાસની ગતિ અટકવા દીધી નથી અને વિકાસ કામો અવિરતપણે ચાલતા રહ્યા છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે રાજ્યના વિકાસલક્ષી પ્રજાકલ્યાણના કાર્યો માટે પૈસાની ખોટ ક્યારેય પડવા દીધી નથી. જ્યા જરૂર જણાઇ ત્યા કેન્દ્ર સરકાર ગુજરાતની પડખે ઉભી રહી છે.સંતોના આશીર્વાદથી સંવેદનશીલતાથી રાજ્ય સરકાર સાથે ખભેખભો મીલાવી સમાજ સેવાનું કાર્ય કર્યું હતું. ધારાસભ્ય આત્મારામભાઈ પરમારે જણાવ્યું હતું કે, તપ, તપસ્યાની ભાવભૂમિ પર ભગવાન સ્વામિનારાયણે જે રીતે ધર્મનો આહલેક જણાવ્યો હતો તે આજે વિશાળ સત્સંગીઓ દ્વારા ઉજાગર થયો છે. ભા.જ.પ. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાન કહેતાં હતાં કે, ગઢપુર મારૂં છે અને હું ગઢડાનો છું. તેમણે પોતાના જીવનનો મોટોભાગ ગઢપુરમાં વિતાવ્યો હતો તે રીતે આ પ્રવિત્ર તિર્થભૂમિ છે સ્વામિનારાયણનાં સંતો દ્વારા વૈશ્વિક સ્તરે જે સેવા થાય છે. વ્યક્તિત્વ વિકાસ માટે સંતો દ્વારા જે પ્રયત્ન થાય છે તે બિરદાવવા પાત્ર છે. નિર્વ્યસની વ્યક્તિનાં નિર્માણ સાથે સમાજનાં વિકાસ માટે પ્રામાણિકતા સાથે કાર્ય કરે તેવા વ્યક્તિ વિકાસનાં નિર્માણનું કાર્ય સ્વામિનારાયણનાં સંતો કરી રહ્યાં છે તે વંદનીય છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, તાજમહલ કરતાં દિલ્હીનું અક્ષરધામ વધુ મૂલ્યવાન છે. કારણ કે તેમાં મૂલ્યો અને ગુણોનું સિંચન થયું છે. સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો જોવો હોય તો સ્વામિનારાયણ મંદિરનાં દર્શન કરો. આ પ્રસંગે આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે સ્વાગત કરતાં કહ્યું કે, ગુજરાતનાં નાનામાં નાના માણસ સુધી પહોંચતી આ સરકાર દ્વારા આ સંપ્રદાયનાં સ્થાપનાનાં પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી લોકોની સુવિધાઓમાં વધારો કરવાં થતા તમામ કાર્યો કરવાં તત્પર છે. આ પ્રસંગે ગઢપુર અંગેની દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ રજુ કરવામાં આવી હતી. ગોપીનાથજી મંદિર ગઢડાના ચેરમેન હરીજીવનદાસજી મહારાજે આશિર્વચન પાઠવ્યાં હતાં. ધર્મનંદન ડાયમંડનાં લાલજીભાઇ પટેલે પ્રાસંગિક પ્રવર્ચન કર્યું હતું. આ અવસરે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, પૂર્વ મંત્રી સૌરભભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણી, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ ભીખુભાઇ વાધેલા, વડતાલ મંદિરનાં પીઠાધીપતિશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તેમજ ગોપીનાથજી મંદિરનાં સ્વામી શ્રી હરીજીવનદાસજી મહારાજ, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા તથા પદાધિકારીઓ-અધિકારીઓ, સંતગણ પણ જોડાયો હતો.