સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ અંતર્ગત શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ તળાજા તાલુકાના દાઠા, સરતાનપર, તળાજા, ગોરખી ગામે ચાલતા તળાવ ચેકડેમ ઉંડા કરવા, નદી સફાઈ સહિતના કામોનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદશન આપ્યુ હતુ. તેમણે દાઠા ગામે એક કિલોમીટર લંબાઈનો ગ્રામ રક્ષક પાળો, બગડ નદી પરના ચેકડેમની સફાઈ તથા ઉંડા ઉતારવાનું કામ, સરતાનપર ગામે તળાવને ઉંડુ ઉતારવાનુ કામ, તળાજા ખાતે નદીની સફાઈ અને ઉંડી ઉતારવાનું કામ,ગોરખી ગામે પાર્વતી માં નું તળાવને ઉંડુ ઉતારવાનું કામ નું જાત નિરીક્ષણ કરી અને સંબંધિત કચેરીના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે દાઠા ગામે નરેગા યોજના અંતર્ગત એક કિલોમીટર લંબાઈનો ગ્રામ રક્ષક પાળો તા. ૧૦ સુધી સાફ કરવામાં આવશે દર રોજ અંદાજે ૩૫૦ લોકોને વ્યક્તિ દીઠ રૂપિયા ૧૯૪ ચુકવાશે. તેમણે જાતે પણ શ્રમ દાન કર્યુ હતુ બગડ નદી પરના ચેક્ડેમ ઉંડો કરવાના કામ વિશે જણાવ્યુ હતું કે આ કામ ૮ દિવસ ચાલશે જેમાંથી કુલ ૨૪૦૦ ઘનમીટર માટી નીકળશે જે વિના મુલ્યે લોકોને આપવામાં આવશે આ કામમાં ૧૭ ટ્રેકટર ગ્રામજનોના તેમજ ૦૧ જે. સી. બી. પીડીલાઈટ કંપનીનું વપરાઈ રહ્યુ છે. સરતાનપર ગામે તળાવ ઉંડુ કરવાના કામ વિશે જણાવ્યુ હતું કે ગ્રામજનોના ૧૫ ટ્રેકટર ૦૧ જે. સી. બી. પીડીલાઈટ કંપનીનું ઉપયોગ કરી ૦૮ દિવસ ચાલનારા કામ થકી કુલ ૨૪૦૦ ઘનમીટર માટી નીકળશે જે ખારાશવાળી હોવાથી પાળા પર નાંખવામા આવશે. દરરોજ ટ્રેકટરના ૧૦૦ ફેરા થશે.
તળાજા નગરપાલિકા વિસ્તારમાં નદી સફાઈના કામ વિશે જણાવ્યુ હતું કે આ કામ ૩૦ દિવસ સુધી ચાલશે નદીના કેચમેન્ટ એરીયામાંથી ઝાડી, ઝાંખરા, કાંટા, બાવળ દુર કરી અને તેની ઉંડાઈ વધારવામાં આવશે આ કામ અંદાજે રૂપિયા ૦૪ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. ગોરખી ગામે પાર્વતી માં નું તળાવ ઉંડુ કરવાના કામ વિશે જણાવ્યુ હતું કે ૦૮ દિવસ સુધી ચાલનારા આ કામ માં ગ્રામજનોના ૧૫ ટ્રેક્ટર અને પીડીલાઈટ કંપનીનું ૦૧ જે. સી. બી. વપરાઈ રહ્યુ છે. કુલ ૨૪૦૦ ઘનમીટર માટી નીકળશે. પીડીલાઈટ કંપની દ્વારા સો ટકા લોક ભાગીદારીના માધ્યમથી આ કામો થઈ રહ્યા છે. આમ તળાજા તાલુકામાં સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ અંતર્ગત જળસંગ્રહના કામો તીવ્ર ગતિએ ચાલી રહ્યા છે. જન ભાગીદારી ના માધ્યમથી જનતા જનાર્દનની સેવા કરવાનો મહાયજ્ઞ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં શરૂ કર્યો છે.