શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ
ભાવનગર શહેર અને જિલ્લામાં પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ગુરૂવારે એરપોર્ટ ખાતે CISF યુનિટ તથા પોલીસ હેડક્વાર્ટર ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતા. જેમાં પોલીસ પરેડ, શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ કરી શહીદ થયેલા પોલીસ પરિવારને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા, જેમાં આઈજી, એસપી, એએસપી તથા પોલીસ સ્ટાફ જોડાયા હતા.
ભાવનગર એરપોર્ટ ખાતે પોલીસ સ્મારક દિવસ મનાવવામાં આવ્યો હતો. જેમાં સહાયક કમાન્ડન્ટ/CASO મન્ટૂ કુમાર ઝા એ યુનિટના જવાનોને પોલીસ સ્મારક દિવસ વિશે માહિતી આપી હતી, અને ત્યારબાદ શહીદના બલિદાનની યાદ અપાવવા માટે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. બાદમાં યુનિટના જવાનોએ પોલીસ સ્મારક દિવસ પરેડ પ્રસંગે ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.21 ઓક્ટોમ્બર આજે પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે ભાવનગર જિલ્લા પોલીસ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગરના સહયોગથી ડી.એસ.પી. ઓફિસ, નવાપરા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, ટ્રાફિક પોલીસ, ટ્રાફિક બ્રિગેડિયર, અન્ય સ્ટાફ દ્વારા બ્લડ ડોનેશન કરી પોલીસ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
પોલીસ સ્મૃતિ દિવસને વધુ યાદગાર બનાવવા માટે પોલીસ જવાનો અને વધુમાં વધુ રક્તદાતાઓને રક્તદાન કર્યું હતું. રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા દરેક રક્તદાતાઓને ગિફ્ટ અને પ્રમાણપત્ર આપી અધિકારીઓના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતા. આ કેમ્પમાં પોલીસ અધિક્ષક તથા મદદનીશ પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.