હોસ્પિટલ સ્ટાફ, ફાયર ડિપાર્ટમેન્ટ અને એસઓજીની સફળ મોકડ્રિલ
ભાવનગરની સર ટી. હોસ્પિટલના પાંચમા માળે આવેલ આંખ વિભાગમાં આજે આગનો બનાવ બન્યો હતો, જેની જાણ હોસ્પિટલ સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડ તથા પોલીસને કરાતાં તુરંત ફાયર બ્રિગેડ અને એસઓજીની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી. જ્યાં આગળ દાખલ પાંચ દર્દીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. અંતમાં આ સમગ્ર ઘટના મોકડ્રિલ હોવાનું ખુલવા પામતા તંત્રએ રાહત અનુભવી હતી. જો કે આ મોકડ્રિલમાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી ન હતી અને મોકડ્રિલ સફળ રહેવા પામી હતી.
છેલ્લા કેટલાક સમયથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં હોસ્પિટલોમાં આગના બનાવો બની રહ્યા છે, ત્યારે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં જો આવો બનાવ બને તો કેવી રીતે તેની સામે કામગીરી કરવી તેની ચકાસણીના ભાગરૂપે આજે હોસ્પિટલના વડા દ્વારા મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં પાંચમા માળે આંખના વિભાગમાં આગ લાગી હોવાની ફાયર બ્રિગેડ, પોલીસ સ્ટાફ તેમજ હોસ્પિટલ સ્ટાફને જાણ કરાતાં તુરંત તમામ એજન્સીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને આંખના વોર્ડમાં સારવાર લઈ રહેલા પાંચ દર્દીઓને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને આગને કાબુમાં લઈ લીધી હતી.
આ બનાવ અંગે ફાયર નોડલ ઓફિસર ચિન્મય શાહના જણાવ્યા અનુસાર સમયાંતરે આવી મોકડ્રિલનું આયોજન કરવામાં આવતું હોય છે. આજે યોજાયેલ મોકડ્રિલમાં તમામ સ્ટાફ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી અને તેને 5 મિનિટમાં પૂરી કરી, મોકડ્રિલ સફળ બનાવી હતી. આજે કરાયેલી મોકડ્રિલમાં ફાયરબ્રિગેડ, પોલીસ તેમજ હોસ્પિટલ સ્ટાફ અને સિક્યુરીટી સ્ટાફે તુરંત દોડી જઈ કામગીરી કરી હતી અને મોકડ્રિલને સફળ બનાવી હતી.