બેઠકમાં આતંકવાદને નાથવા લીધા મહત્વના નિર્ણય : ખીણમાં શીખ-કાશ્મીરી પંડિતોના વિસ્તારોમાં ડ્રોન દ્વારા પેટ્રોલિંગ :CRPF સાથે BSF ની ટૂકડીઓને તૈનાત કરાશે
જમ્મુ, તા.૨૩
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલી આતંકવાદી ઘટનાઓને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ત્રણ દિવસની જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે.
તેમની અધ્યક્ષતામાં શનિવારે એક હાઈ લેવલની બેઠક મળી હતી જેમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. શ્રીનગરમાં યોજાયેલી બેઠકમાં તેમણે નિર્ણય લીધો હતો કે હવે ખીણમાં શીખ અને કાશ્મીરી પંડિતોના વિસ્તારોમાં ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે. સ્થાનિક નાગરિકો અને બિન-કાશ્મીરી લોકો પર થઈ હેલા હુમલાઓ બાદ અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષાની દ્રષ્ટીએ એરિયલ સર્વેલન્સ ઉપરાંત ગ્રાઉન્ડ સિક્યુરિટી માટે વિસ્તારોમાં સીઆરપીએફની સાથે બીએસએફની ટૂકડીઓને પણ તૈનાત કરવામાં આવશે. પાટનગર શ્રીનગરમાં પણ વધારાના નાકા લગાવવામાં આવશે. આ ઉપરાંત શ્રીનગરના રસ્તાઓ પર સિક્યુરિટી બંકર માટે સર્વેલન્સ કરવામાં આવશે. આર્ટિકલ ૩૭૦ હટાવી દીધા બાદ શનિવારે પ્રથમ વખત શ્રીનગર પહોંચેલા ગૃહ મંત્રી અમિત શાહે અહીં ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષાની સમીક્ષા કરી હતી. બેઠકમાં સેના, પોલી, આઈબી, મિલિટ્રી ઈન્ટેલિજન્સ, સીઆરપીએફ અને બીએસએફના અધિકારીઓએ ભાગ લીધો હતો. સુરક્ષા એજન્સીઓના ઈનપુટ પર આધાર પર એજન્સીઓએ આ નિર્ણય લીધો છે કે ખીણમાં તમામ સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવશે. તેના માટે શીખ, કાશ્મીરી પંડિતો તથા અન્ય લઘુમતી સમુદાયના લોકોના વિસ્તારો પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. તેના માટે વર્તમાન વ્યવસ્થા ઉપરાંત ડીઆરડીઓ તરફથી ઈઝરાયલી ટેક્નોલોજીથી સજ્જ કેટલાક ડ્રોન ઝડપથી ખીણમાં સુરક્ષા એજન્સીઓ સુધી પહોંચાડવામાં આવશે. કાશ્મીરમાં સાત વર્ષ બાદ ફરીથી બંકર યુગનું પુનરાગમન થયું છે. શ્રીનગરમાં ૨૦૧૪માં હટાવવામાં આવેલા બંકર્સને ફરીથી એક વખત બનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અર્ધસૈનિક દળોની ૫૦ વધારાની કંપનીઓ શ્રીનગર સહિત ખીણના ૮ જિલ્લામાં તૈનાત કરવાનું કામ શરૂ થઈ ગયું છે. કાશ્મીરમાં એનઆઈએના ૭૦થી વધારે હાઈલેવલ અધિકારીઓને કેમ્પ કરવા માટે કહેવામાં આવ્યું છે.