પીઢ કોંગી અગ્રણી બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. જ્યાં શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા શક્તિભાઈને આવકારી ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી અને ભાવનગરના પૂર્વ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલને બિહાર રાજ્યના પ્રભારી તરીકે નિયુક્તિ કરાયા બાદ પ્રથમવાર ભાવનગર આવ્યા હોય આ પ્રસંગે શહેર તથા જિલ્લા કોંગ્રેસ દ્વારા શક્તિભાઈને આવકારવા તથા અભિવાદન કરવા કોંગી સભ્યો અધીરા બન્યા હતા. આજે બપોરના સમયે તેઓ ભાવનગર આવી પહોંચતા શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોશી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઈ વાળા, તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા, ધારાસભ્ય પ્રવિણ મારૂ, પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ ગોહિલ, ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા, સંજયસિંહ ગોહિલ (માલપર), લાલભા ગોહિલ, ભાવનગર વિપક્ષી નેતા જયદિપસિંહ ગોહિલ, અનિરૂધ્ધસિંહ ગોહિલ (અનિભાઈ રંગોલી), કાળુભાઈ બેલીમ સહિતના સભ્યો હોદ્દેદારો મોટીસંખ્યામાં આવકારવા દોડી ગયા હતા. જ્યાંથી સમગ્ર કાફલો સરકીટ હાઉસ ખાતે પહોંચ્યો હતો. જ્યાં કોંગી કાર્યકરોએ શક્તિસિંહ ગોહિલનું અભિવાદન કર્યુ હતું. આ પ્રસંગે શક્તિસિંહએ પત્રકાર પરિષદને સંબોધી કેન્દ્ર તથા રાજ્યમાં રહેલ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાવનગરનો વિકાસથી વંચીત રાખવા જાણી જોઈને પછાત રાખવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. આ તકે અનેક મુદ્દાઓ ટાંકી તે સંદર્ભે વિગતો આપી હતી.