રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર બિટકોઇન કૌભાંડમાં ધરપકડ કરાયેલા મહત્વના આરોપી કિરીટ પાલડિયાને સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ આજે ચુસ્ત બંદોબસ્ત સાથે સ્પેશ્યલ એસીબી કોર્ટમાં રજૂ કર્યો હતો. તપાસનીશ એજન્સી તરફથી આરોપી પાલડિયાના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરાઇ હતી, જેની સુનાવણીના અંતે સ્પેશ્યલ એસીબી કોર્ટના જજ નીપાબહેન રાવલે આરોપી કિરીટ પાલડિયાને તા.૧૦મી મે સુધી છ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો મહત્વનો હુકમ કર્યો હતો.
સીઆઇડી ક્રાઇમ તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર સુધીર બી.બ્રહ્મભટ્ટે આરોપી કિરીટ પાલડિયાના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરતાં જણાવ્યું હતું કે, આરોપી કિરીટ પાલડિયા આ કેસના સહઆરોપીઓ સાથે બિટકોઇનના સમગ્ર કાવતરામાં પહેલેથી સામેલ હતો અને તેની વિરૂધ્ધ તેટનીકલ પુરાવા તપાસ દરમ્યાન પ્રાપ્ત થાય છે, તેથી આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકો સુધી પહોંચવા પાલડિયાની પોલીસ કસ્ટડી જરૂરી છે.
તા.૧૧મી ફેબ્રુઆરીએ ફરિયાદી શૈલેષ ભટ્ટના અપહરણના ગુનાને અંજામ આપવા આરોપી કિરીટ પાલડિયાની આ કેસના સહઆરોપી કેતન પટેલ, આરોપી પીઆઇ અનંત પટેલ સાથે મુલાકાતની યોજના કયારે બનાવી અને કોની મદદથી તે યોજાઇ તે સહિતની માહિતી પાલડિયા પાસેથી કઢાવવાની છે. ખૂબ જ સંવેદનશીલ એવા આ કૌભાંડમાં શરૂઆતથી લઇ અંત સુધીના સમગ્ર ઘટનાક્રમમાં કિરીટ પાલડિયાની અગત્યની અને સક્રિય ભૂમિકા બહાર આવી છે, તેથી તેની સઘન અને ઝીણવટભરી પૂછપરછ કરવી જરૂરી છે કે જેથી કેસની ખૂટતી કડીઓ મળી શકે. આ સમગ્ર ગુનામાં બિટકોઇન ટ્રાન્સફર કરવા માટે ટેકનીકલ પ્રોસીઝર જરૂરી છે. જેમાં આરોપી કિરીટ પાલડિયાના જુદા જુદા એક્ષ્ચેન્જના વોલેટ, આઇડી ઓપન કરી ચેક કરવા તથા ટેકનીકલ સાધનોની મદદથી તેની ચકાસણી કરવા માટે આરોપી પાલડિયાની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન ખૂબ જ જરૂરી છે. આ સંજોગોમાં કોર્ટે આરોપી કિરીટ પાલડિયાના પૂરતા રિમાન્ડ મંજૂર કરવા જોઇએ. પોલીસની રિમાન્ડ અરજી ધ્યાને લઇ કોર્ટે આરોપી કિરીટ પાલડિયાના તા.૧૦મી મે સુધીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.