ભાવનગરમાં રાષ્ટ્રપતિના આગમન પૂર્વે પોલીસે સુરક્ષા વ્યવસ્થા અંગે રીહર્સલ કર્યું, 1088 ઈ.ડબલ્યુ.એસ.-1 આવાસોનું લોકાર્પણ કરાશે

151

રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં સામેલ કર્મચારી-અધિકારીઓએ કોવિડ ટેસ્ટ કરાવ્યો
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. ત્યારે આવતીકાલે શુક્રવારે રાષ્ટ્રપતિ ભાવનગરની મુલાકાતે આવવાના છે. જેને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. પોલીસ દ્વારા શહેરમાં કડક બંદોબસ્ત સાથે સુરક્ષા વ્યવસ્થાના પાસાઓ મજબૂત કરવામાં આવ્યાં છે. રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં 1088 ઈ.ડબલ્યુ.એસ.-1 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 2458 ઈ.ડબ્લ્યુ.એસ.1 પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટેના આવાસો લાભાર્થીઓને ફાળવવા માટેના કોમ્પ્યુટરાઈઝ ડ્રો તથા સદરહુ કામનું ખાતમુર્હત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ યોજનામાં જુદાં – જુદાં નવ સ્થળો પર આવાસોના બાંધકામ કરવામાં આવ્યાં છે. અગાઉ આ યોજના પૈકીના છ સ્થળો પર કુલ -804 આવાસોનાં લોકાર્પણ કરી લાભાર્થીઓને આવાસોનાં કબ્જા ફાળવણી કરવામાં આવી છે. ટી.પી. સ્કીમ નં. 8- રૂવા, ફાઇનલ પ્લોટ નં.28, હમીરજી પાર્ક સામે, સુભાષનગર, ભાવનગર ખાતે કુલ 1088 આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ આવાસોનાં લાભાર્થીઓને કોવીડ -19 ની પરિસ્થિતિ ધ્યાનમાં લઇ સરકારની માર્ગદર્શિકા મુજબ લોકાર્પણ સમારોહ અન્વયે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગર મુકામે પધારનારા છે. આ પ્રસંગે તેઓની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને મેયર કીર્તિબાળા દાણીધારીયા, સાંસદ ડો.ભારતીબેન શિયાળ, ભાવનગર પૂર્વનાં ધારાસભ્ય વિભાવરીબેન દવેની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ રહેશે તથા અન્ય મહાનુભાવો પણ જોડાશે. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રીબીન કાપી તખ્તીનું અનાવરણ કરાશે. ત્યારબાદ ભાવનગર મહાનગરપાલિકામાં તથા સમગ્ર ગુજરાત રાજ્યમાં થયેલા આવાસોની કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે. પાંચ પ્રતિકાત્મક લાભાર્થીઓને આવાસોની ચાવી સુપ્રત કરવામાં આવશે. આ કાર્યક્રમ તારીખ 29 ઓક્ટોબરને શુક્રવારનાં રોજ સાંજે 4 કલાકે યોજવામાં આવશે. આવાસ યોજનાના લોકાર્પણ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો પધારી રહ્યાં છે.

ત્યારે પોલીસ દ્વારા શહેરમાં કડક બંદોબસ્ત સાથે સુરક્ષા વ્યવસ્થાના પાસાઓ મજબૂત કરવામાં આવ્યાં છે. ભાવનગર શહેર તથા મહુવા તાલુકાના પ્રવાસ દરમિયાન 5 એસપી, 1 એએસપી, ડીવાયએસપી 16, પીઆઈ 18, પીએસઆઇ 82, પોલીસ જવાન 681, ટ્રાફિક પોલીસ 36, મહિલા પોલીસ 56, અશ્ર્વદળ પોલીસ 10, હોમગાર્ડ જવાન 300, એસઆરપી 1 ટીમ સહિતના સુરક્ષા જવાનોને આજથી જ બંદોબસ્ત પોઈંટની ફાળવણી કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓ આવતીકાલે ભાવનગર તથા મહુવા તાલુકાની મુલાકાતે આવશે. જે અન્વયે સુરક્ષા વ્યવસ્થા તથા સમગ્ર કાર્યક્રમમાં જોડાનારા અધિકારીઓ-કર્મચારીઓ એ મહામારીની મેડિકલ ગાઈડલાઈન મુજબ આજરોજ RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો. આ કોવિડ ટેસ્ટમાં ભાવનગર મેડિકલ કોલેજ તથા સર.ટી હોસ્પિટલનો સ્ટાફ જોડાયો હતો.

Previous articleગુજરાત પોલીસના આંદોલનને સમર્થન આપવા ભાવનગર શહેર કોંગ્રેસ મેદાને, કલેક્ટરને આવેદનપત્ર આપી ધરણા યોજ્યા
Next articleભાવનગરમાં જર્જરિત મકાનનો સ્લેબ અચાનક તૂટી પડ્યો, મકાન માલિક કાટમાળ તળે દબાયા