ભાવનગર ખાણ-ખનીજ વિભાગ દ્વારા તળાજા તાલુકાના પીગળી ગામે ખનીજચોરી આચરતા તત્વો પર ત્રાટકી હતી અને રેતી ભરેલા ટ્રેકટરો સાથે રૂપિયા ૫૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર બનાવ અંગે રોયલ્ટી ઇન્સ્પેકટર ખાપર પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના અનેક ગામડાઓમાં થી પસાર થતી શેત્રુંજી નદી માથી વ્યાપક પણે અને ૨૪ કલાક ખનીજચોરી આચરવામાં આવે છે. જેમાં ખનીજચોરો રોયલ્ટી જમા ન કરાવી સરકારી તિજોરી તથા આડેધડ ખોદકામ કરી પ્રાકૃતિક સંપદા-પર્યાવરણ ને વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યાં છે. આ અંગે ભાવનગર ખાણ-ખનીજ ની ટીમને મળી રહેલી વ્યાપક ફરિયાદો ને પગલે આજરોજ ખાણ-ખનીજ વિભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પીગળી ગામે શેત્રુંજી નદી પર પહોંચી હતી અને ખનીજ ચોરી કરતાં આસામીઓને ઝડપી લીધા હતા જેમાં રેતી ભરેલાં સાત ટ્રેકટરો મળી કુલ રૂ.૫૬ લાખ નો મુદ્દામાલ કબ્જે કરી ખનીજચોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખનીજચોરો માં ભારે ફફડાટ ફેલાયો હતો.