ગાયની માવજત- નિભાવ, સારી પ્રજાતિની ગાય માટેના પ્રયત્નો વિશે માહિતગાર થયા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે શનિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને વિદાય આપ્યાં બાદ ભાવનગર શહેરના સાગવાડી વિસ્તારમાં આવેલી ગૌશાળાની મુલાકાત લીધી હતી. રાજ્યના શિક્ષણમંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ પણ તેઓની સાથે રહી ગૌશાળાની મુલાકાત લીધી હતી.
રાજ્યપાલે ગૌશાળાના સંચાલક પ્રદિપસિંહ રાઓલ પાસેથી ગાયની માવજત- નિભાવ, સારી પ્રજાતિની ગાય માટેના પ્રયત્નો વગેરે વિશેની માહિતી મેળવી હતી. તેમણે સમગ્ર ગૌશાળામાં ફરીને ગાયોનું નિરીક્ષણ કર્યું હતું. આ ગૌશાળામાં 500 કરતાં વધુ ગૌવંશનો નિભાવ કરવામાં આવે છે. રાજ્યપાલનો ગાય પ્રત્યેનો અનુરાગ જાણીતો છે. તેઓ અવાર- નવાર સમય મળે ત્યારે ગૌશાળાની મુલાકાત લેતાં હોય છે અને ગૌવંશ વિશેની ઉપયોગી માહિતીનું આદાન- પ્રદાન કરતાં હોય છે, રાજ્યપાલે આ તકે જણાવ્યું હતું કે, એક દેશી ગાયની મદદથી 30 એકર પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે. પ્રાકૃતિક કૃષિથી દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે.