વલ્લભીપુરના પાટણા ગામના સગીરનું બ્રેઇન ડેડ થતા વિવિધ અંગોનું દાન કરતા પરિજનો

107

ઘણા મૃત્યુ એવા હોય છે કે એક આંખમાં શોકના આંસુ હોય અને બીજી આંખમાં ગર્વની ખુશીના આંસુ હોય. કાં તો દેશ કાજે શહીદ થતા વીર જવાનના પરિજનોને આવી બેવડી ક્ષણનો સાક્ષાત્કાર થતો હોય છે, કાં તો કોઈ પુણ્યઆત્માની વિદાય સમયે તેમના પરિજનોને દુઃખ, દર્દ સાથે ગૌરવિંત થવાની ક્ષણો મળતી હોય છે. વલ્લભીપુર તાલુકાના પાટણા ગામના સગીરને બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ તેમના પરિજનો માટે આવી ક્ષણ સર્જાઈ હતી. વલ્લભીપુર તાલુકાના પાટણા ગામના અજયભાઈ લાલજીભાઈ કાકડીયાના ૧૪ વર્ષીય પુત્ર ધાર્મિકની કિડની સંબંધી તકલીફની સારવાર સુરતની હોસ્પિટલમાં ચાલુ હતી. આ સારવાર દરમ્યાન તારીખ ૩૦ ઓક્ટોબરના રોજ ડૉકટરોએ ધાર્મિકને બ્રેઇન્ડેડ જાહેર કર્યો. બ્રેઇન ડેડ એટલે મગજની એક એવી અવસ્થા કે જેમાં વ્યક્તિનુ મગજ મૃત્યુ પામે છે. શરીરના અન્ય અંગો કાર્ય કરતા હોવા છતાં વ્યક્તિ ક્યારેય પણ ભાનમાં આવી શકતી નથી. વિવિધ સ્પોર્ટેડ સિસ્ટમથી જીવતા દર્દીને હોસ્પિટલમાં માત્ર કહેવા ખાતર જીવિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં દર્દીના પરિવારની સહમતીથી મગજથી મૃત્યુ પામેલા દર્દીના વિવિધ અંગો એક પછી એક ઓપરેશન દ્વારા કાઢીને અન્ય જરૂરિયાતમંદ સુધી એ અંગોને ત્વરિત પહોંચાડવામાં આવે છે. માત્ર ૧૪ વર્ષનો ધાર્મિક બ્રેઇન ડેડ જાહેર થતા તેના પરિવાર પર આભ ફાટી પડ્યું. આવા સમયે હૃદયમાં પડેલી માનવતા જાગૃત થવી એ પુણ્યઆત્માઓ હોવાની પ્રતીતિ થાય એવો નિર્ણય ધાર્મિકના પરિજનોએ કર્યો કે, મગજ સિવાયના તમામ કાર્ય કરતા અંગો ધાર્મિકના શરીરમાંથી ઓપરેશન દ્વારા કાઢીને એ અંગોની જેમને તાતી આવશ્યકતા છે એવા દર્દીઓને દાનમાં આપી દેવામાં આવે. ૧૪ વર્ષના પુત્રને આ રીતે અન્ય દર્દીઓના શરીરમાં ધબકતો રાખવા માટે ડૉક્ટરોએ ધાર્મિકનું હૃદય, બન્ને ફેફસા, લીવર અને બન્ને આંખો કાઢી લીધી. સુરતની કિરણ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૧૪ વર્ષના ધાર્મિકે જીવનલીલા સંકેલતા સમયે એક રેકોર્ડ એના નામે બનાવ્યો. અત્યાર સુધી ભારતમાં હૃદય, કિડની, ફેફસા, લીવર, આંખો જેવા અંગોના દાન તો ઘણા થયા છે. પણ માત્ર ૧૪ વર્ષની ઉંમરે બ્રેઇન ડેડ થયેલા દર્દીના હાથોનું દાન ક્યારેય થયું ન હતું. ધાર્મિકના બે હાથનું પણ દાન કરવામાં આવતા હવે બે અલગ અલગ દિવ્યાંગ વ્યક્તિમાં ધાર્મિકના હાથોનું પ્રત્યારોપણ થશે.

Previous articleમાંગરોળના લેખક તથા ગૌરવ તેવા ડો સચિન જે પીઠડીયાનો આજે જન્મ દિવસે વૃક્ષ વાવીને પયૉવરણ જાગૃતિનો સંદેશ આપીયો
Next articleકરીના પતિ અને દીકરાઓ સાથે જેસલમેર પહોંચી