ભાવનગર મહાપાલિકાને ગત એપ્રિલ માસમાં ઘરવેરા પેટે રૂા.પ૦ કરોડ ૪૪ લાખ જેવી માતબર રકમની આવક થવા પામી છે. હાલ પણ ૧૦ ટકા રીબેટ યોજનાનો ભરપૂર લાભ લોકો લઈ રહ્યાં છે.
ભાવનગર શહેરમાં વસતા ૯૯૩પર મિલ્કત ધારકો દ્વારા એપ્રિલ ર૦૧૮ એક માસમાં ઘરવેરા પેટે રૂા.પ૦ કરોડ ૪૪ લાખ જેવી રકમ જમા કરાવી છે. આ અંગે ઘરવેરા વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર વર્ષ ર૦૧૭થી શરૂ કરીને ર૦૧૮ સુધીમાં કારપેટ એરીયા પધ્ધતિ દ્વારા વેરા વસુલાત સંદર્ભે મિલ્કત ધારકોને મુંજવતા પ્રશ્નો તથા વેરા વસુલાત પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે. રાષ્ટ્રીયકૃત તથા ખાનગી બેંકો તથા મહાનગર સેવા સદન શહેરના અલગ-અલગ ઝોનમાં આવેલ ઓફિસો ખાતે વેરો સરળતાથી ભરપાઈ કરી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. જે કરદાતાઓ માટે ખૂબ રાહત પ્રદાન કરનારૂ સાબીત થયું છે. આ ઉપરાંત શિક્ષિત તથા નોકરીયાત વર્ગ પોતાના એન્ડ્રોઈડ મોબાઈલની મદદ વડે ઓનલાઈન વેરો ભરવામાં વિશેષ અગ્રતા દાખવી રહ્યાં છે.
તો બીજી તરફ જે આસામીઓએ લાંબા સમયથી વેરો ભરપાઈ નથી કર્યો. તેઓ વિરૂધ્ધ કાયદાકિય પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. હાલ ડીમાન્ડ નોટીસોની બજવણી કરવામાં આવી રહી છે તથા ગત વર્ષે સીલ કરવામાં આવેલ મિલ્કતોની ટુંક સમયમાં જાહેર હરરાજી કરી નાણાની વસુલાત માટેની પ્રક્રિયા વેગમાં હોવાનું જણાવ્યું છે.
આ ઉપરાંત જે મિલ્કત ધારકો વિરૂધ્ધ કોર્ટ કેસો કરવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં કેસ શરૂ છે તેવી બાબતો અંગે પણ કાયદાના નિષ્ણાંતોની સલાહ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રૂા.૧ લાખ તથા રૂા.૧ લાખથી ઓછી રકમ જે આસામીઓની લેણા પેટે બાકી છે અને આજ સુધી ભરપાઈ નથી કરી તેવા આસામીઓને વિશેષ રાહત સાથે વહેલી તકે વેરો ભરપાઈ કરે તે માટે પ્રયત્નો હાથ ધરાયા છે.
તાજેતરમાં ૧પ થી વધુ મિલ્કત ધારકો કે જેમણે વેરા સંદર્ભે કોર્ટનું શરણુ લીધુ છે. તેઓએ પણ વચગાળાનો રસ્તો પસંદ કરી વેરા ભરપાઈમાં શાણપણ માન્યું છે. વર્ષ ર૦૧૮-૧૯માં એક પણ મિલ્કત ધારકનો વેરો બાકી ન રહે તે અર્થે શાસક પક્ષ તથા તંત્ર અને મિલ્કત ધારકો વચ્ચે સંકલન સાધવા પ્રયત્નો કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.