ભાવનગર સિંચાઈ વિભાગના અધિકારીએ રાષ્ટ્રીય કક્ષાનો ઈજનેરી એવોર્ડ જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું

106

ભારતના મહાન ઇજનેર એમ. વિશ્વેસરૈયાની યાદમાં દેશના વિકાસમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર ઇજનેરોને આ એવોર્ડથી સન્માનિત કરાયા
રાષ્ટ્રના વિકાસ માટે પોતાના ઉત્તમ ઇજનેરી કૌશલ્યના ઉપયોગ માટે આ એવોર્ડ આપવામાં આવે છે

ભાવનગર જિલ્લા પંચાયતમાં સિંચાઈ વિભાગમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા ડી.આર.પટેલનું બેંગલુરૂ (કર્ણાટક) ખાતે એમ.વિશ્વૈશ્વરૈયા બેસ્ટ એન્જીનિયરીંગ નેશનલ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે.

દેશના ખ્યાતનામ ઇજનેર એમ. વિશ્વેસરૈયાની યાદમાં દેશમાં ઈજનેરી કૌશલ્ય દાખવી અને ઇજનેરી ક્ષેત્રે રાષ્ટ્રના વિકાસ માટેની મહત્ત્વપૂર્ણ કામગીરી કરનાર ઈજનેરોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. પટેલ સંભવત આ ભાવનગર જિલ્લાના પ્રથમ વ્યક્તિ કે પ્રથમ અધિકારી છે કે જેમણે રાષ્ટ્રના આ ગૌરવવંતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. પટેલ દ્વારા ભાવનગરના ભાલ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી વરસાદી પાણીના નિકાલ માટે અથાગ મહેનત કરી રહેલ છે. તેમના આ પ્રયત્નોને કારણે હાલ વિસ્તારમાં ઘણાં લાંબા સમયથી વરસાદની સિઝનમાં પાણી ભરાઈ રહેવાની કાયમી સમસ્યાનો ઉકેલ આવ્યો છે. આ ઉપરાંત તેમની નિગરાની હેઠળ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત વહીવટી વિભાગના સહયોગથી અને કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી માર્ગદર્શન હેઠળ ડિસીલ્ટીંગના કામો હાથ ધરી ભાવનગર જિલ્લામાં પાણીની સમસ્યાથી છુટકારો મેળવવા માટેના તનતોડ પ્રયત્નો કરવામાં આવ્યાં છે. ડી.આર.પટેલ અત્યારે ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જિલ્લા નોડલ અધિકારી તરીકેની ફરજ બજાવી રહેલ છે અને તેમના સગન પ્રયત્નોને કારણે સફળતાપૂર્વક યોજના પૂર્ણ કરેલ છે. પટેલને આ અગાઉ પણ વહીવટી તંત્ર દ્વારા અને જળસંપત્તિ વિભાગમાંથી એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. આ જ રીતે ડી.આર.પટેલ તેમના ભવિષ્યમાં જ્વલંત સફળતાઓ પ્રાપ્ત કરતા રહે અને ગુજરાત તથા ભારતનું ગૌરવ વધારતા રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેઓને વર્ષ-2019માં સુજલામ સુફલામની બેસ્ટ કામગીરી, વર્ષ-2019માં સિંચાઈ વિભાગમાં ટીમ લીડર તરીકે ભાલ વિસ્તારના કામોને ટેકનિકલ સહયોગથી પાણી નીકાલની કામગીરી, વર્ષ-2020માં ભાવનગરમાં કોરોના વોરીયર્સ તરીકે વહીવટી તંત્રનું અભિન્ન અંગ બની કોરોનાની કામગીરી માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. આમ, કુશળ ઇજનેરી કૌશલ્યના ક્ષેત્રમાં પોતાની જવલંત સિદ્ધિઓના સથવારે ભારત દેશના મહાન ઇજનેર એમ. વિશ્વેશ્વરૈયા નામનો એવોર્ડ મેળવવાથી ભાવનગર જિલ્લાનું નામ દેશમાં રોશન થયું છે.

Previous articleભાવનગર જિલ્લામાં દિવાળી દરમિયાન રાત્રિના 8 થી 10 કલાક દરમિયાન ફટાકડા ફોડી શકાશે, ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ
Next articleમહુવા તાલુકાના ચોકવા ગામની ગીતા ખેરાળા આર્મી ટ્રેનીંગ પુર્ણ કરી વતન આવતા ભવ્ય સ્વાગત