આગામી ચોમાસાને ધ્યાને લઈને ભાવનગર જિલ્લાના ખેડુતો ચોમાસા પૂર્વેની કામગીરીમાં મગ્ન બન્યા છે. ગત વર્ષે નબળા ચોમાસાના કારણે ખેડુતો પુરતા પ્રમાણમાં ખરીફ પાકોનું ઉત્પાદન મેળવી શક્યા ન હતા આથી વર્ષ ૨૦૧૮થી સારૂ ચોમાસુ જાય તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યો છે.
સમગ્ર દેશ સાથે સાથો સાથ રાજ્યમાં પ્રતિવર્ષ પ્રારંભ થતા નૈઋત્ર્યના ચોમાસાના પ્રારંભ આડે હજુ બેથી અઢી માસ જેવો સમય ગાળો બાકી છે. ત્યારે ભાવનગર જિલ્લામાં ખેતી પર નિર્ભર ખેડુતો ચોમાસામાં પૂર્વેની તૈયારીઓ જોરશોરથી શરૂ કરવામાં આવી છે એક તરફ સરકાર લોક ભાગીદારી થકી ગામે ગામ આવેલ નાના મોટા જળાશયો ઉંડા ઉતારવાની કામગીરી હાથ ધરી છે જેનોે મહત્તમ લાભ ખેડુતો લઈ રહ્યા છે જળાશયોમાંથી નિકળતી ફળદ્રુપ માટી તથા કાચા સોના સમાન કાંપને પોતાની વાડી ખેતરમાં પાથરી વાવેતર અર્થે જમીન તૈયાર કરી રહ્યા છે. માટી-કાંપ સાથે સાથ જમીનોનું ખેડાણ તથા ઉપરાંત દેશી ખાતર પણ જમીનમાં પાથરી રહ્યો છે. એ સાથે કુવાઓ ઉંડા ઉતારવા વાડ, પાળાઓનું નવનિર્માણ સહિતના કાર્યોને અગ્રતા આપી રહ્યા છે પ્રતિવર્ષ ચોમાસામાં વાવણી સમયે તથા વાવણી બાદ વિલાપતી ખાતર તથા સરકાર અધિકૃત બિયારણની કૃત્રિમ અછત ઉભી થાય છે. આથી ખેડુતો અત્યારથી જ ખાતર બિયારણનો પુરતા પ્રમાણમાં સ્ટોક કરી રહ્યા છે. ગત વર્ષે ચોમાસુ નબળુ રહેતા ખરીફ તથા રવિ સિઝનમાં ધાર્યા પ્રમાણે ઉત્પાદન મેળવી શક્યા ન હતા શિયાળાના ઉતરાર્ધ સાથે જ બોર-કુવાઓના તળ ડુકી જવા પામ્યા હતા હાલ કુવાઓમાં નહિવત પાણી હોવાના કારણે ખેડુતો દ્વારા કુવાઓનું સમારકામ, ઉંડા ઉતારવા તથા અન્ય પાણીના સ્ત્રોત મજબુત બનાવવા પ્રયાસો હાથ ધર્યા છે.
વિવિધ માધ્યમો તથા દર વર્ષે ચોમાસાનો ચિતાર રજુ કર્તા વ્યક્તિઓ દ્વારા આ વર્ષે પણ ચોમાસાની આગોતરી આગાહી કરી છે જેમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૮નું ચોમાસુ શ્રેષ્ઠ રહેશે ભારે વરસાદ સાથે સાથ વાવાઝોડાની સંભાવનાઓ બળવતર બની રહેશે અને એકંદરે ૧૨ થી ૧૪ આની વર્ષ રહેવાની શક્યતા દર્શાવી છે જેને લઈને ખેડુતોમાં રાહતની લાગણી, વ્યાપી છે. સાથો સાથ કુદરતને મહેરબાન રહેવા પ્રાર્થનાઓ પણ કરી રહ્યા છે.