ડીડીઓને આવેદનપત્ર આપી વહેલી તકે નવી ભરતી કરવામાં આવે તેવી માંગ કરી
ભાવનગરમાં સેનેટરી ઇન્સ્પેક્ટર બેરોજગાર યુવા સમિતિ દ્વારા રાજ્યના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ભરતી કરવામાં આવે તેવી ડીડીઓને રજૂઆત કરવામાં આવી છે. પંચાયત વિભાગમાં MPHW, FHW મુખ્યસેવિકા લેબ ટેકનીશીયન ફાર્મસિસ્ટની ભરતી કરવા અંગે આજરોજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લા પંચાયત ખાતે સેનેટરી ઇન્સ્પેક્ટર બેરોજગાર યુવા સમિતિ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, પંચાયત વિભાગમાં MPHW, FHW, મુખ્ય સેવિકા, લેબ.ટેક, ફાર્માસિસ્ટ સહિતની જગ્યા ખાલી છે, છેલ્લી ભરતી 2016માં કરવામાં આવી હતી. ત્યારે 5 વર્ષના લાંબા ગાળા થયો છતાં ભરતી કરવામાં આવી નથી, જેથી વહેલી તકે નવી ભરતી કરવામાં આવે તો બેરોજગારની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.
ગુજરાત રાજ્યના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં MPHWમાં 2239, FHWમાં 4137, મુખ્ય સેવિકામાં 1100, લેબ.ટેક તથા ફાર્માસિસ્ટની અઢળક જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવે તો ગુજરાતના અસંખ્ય બેરોજગાર યુવાનો અને યુવતીઓને રોજગારી મળી શકે છે. આવેદનપત્ર આપતી વખતે સોલંકી ચેતનકુમાર, મકવાણા વિપુલ, જાળેલા હિતેશ, મકવાણા રાજેશ, મેવાડા આશિષ સહિત સેનેટરી ઇન્સ્પેક્ટર બેરોજગાર યુવાન સમિતિના ભાઈઓ-બેહનો ઉપસ્થિત રહ્યા હતા.