રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તારીખ જાહેર : ભાવનગર જિલ્લાના ૬૬૦ ગામમાંથી ૪૩૭ ગામોમાં ૧૯ ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે : આજે સોમવારથી ૪૩૭ ગામડાઓમાં આચારસંહિતાનો અમલ શરૂ : જિલ્લામાં મતદાન મથકોની સંખ્યા ૧૦૬૩ છે, કુલ ૩૩૯ સરપંચો ચુંટાશે
ગુજરાતમાં ૧૦ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ આજે સોમવારના રોજ જાહેર કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી પંચે ડિસેમ્બર ૨૦૨૧માં રાજ્યની ૧૦ હજાર ૮૭૯ ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. જેમાંથી ભાવનગર ગ્રામ પંચાયતની ૪૩૭ ગામોમાં આવનારી ૧૯ ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. ભાવનગર જિલ્લાના ૬૬૦ ગામોમાંથી ૪૩૭ ગામોમાં ૧૯ ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. ભાવનગર જિલ્લાના ૪૩૭ ગામોમાં આજથી આચારસંહિતા લાગું પડી ગઈ છે. જેમાં સામાન્ય ચૂંટણીનાં ગામો ૩૦૭, પેટા ચૂંટણીનાં ૧૨૪ ગામો, મધ્યસત્ર ચૂંટણીના ૬ ગામોમાં ચુંટણી યોજાશે. ભાવનગર જિલ્લામાં કુલ ૩૩૯ સરપંચો ચુંટાશે. નોંધનીય છે કે ભાવનગર જિલ્લામાં મતદાન મથકોની સંખ્યા ૧૦૬૩ છે, જેમાં સામાન્ય ચૂંટણીના મતદાન મથકોની સંખ્યા ૮૫૧, પેટા ચૂંટણીના મતદાન મથકોની સંખ્યા ૧૮૯, મધ્ય સત્રની ચૂંટણીના મતદાન મથકોની સંખ્યા ૨૩ છે. ભાવનગર જિલ્લામાં ચૂંટણીમાં કુલ મતદારો ૬ લાખ ૫૮ હજાર ૩૮૩ રહેશે. રાજ્યના ચૂંટણીપંચ દ્વારા આજે સોમવારે પત્રકાર પરિષદ યોજીને ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. ચૂંટણી માટે ૧૯ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે ૨૧ ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જો કે, આ ચૂંટણી માટે બેલેટ પેપર દ્વારા મતદાન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લાઓમાં ભાજપ-કોંગ્રેસ-આપની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ગ્રામ પંચાયતોની આ ચૂંટણી માટે ભાજપ સરકાર અને સંગઠને તૈયારી શરૂ કરી દીધી છે, પણ વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ સંગઠનની રચનામાં અટવાયેલા છે. આમ ભાજપ વિરૂદ્ધ આપ પાર્ટી પોતાની ધમાકેદાર એન્ટ્રી કરી શકે તેવી શક્યતાઓ છે.