કોરોનાકાળથી અસરગ્રસ્ત થયેલાં પરિવારજનોના રસોડાંને ચાલુ રાખ્યા પીએનઆર સોસાયટીએ  

89

પ્રતિમાસ જરૂરિયાતમંદ પરિવારજનોના ઘર સુધી રાશનકિટ પહોંચતી કરી : દિવાળી ટાણે ૫૦૦ લાભાર્થીઓને મીઠાઈ સાથે આપી કીટ
કોરોનાકાળ લગભગ હવે પૂર્ણ થવા આવ્યો છે અને સદ્‌?નસીબે ત્રીજી લહેર ન આવે તેવી શક્યતાઓ છે. ગત વર્ષ દરમ્યાન આ મહામારીના કપરાં કાળ દરમ્યાન હજારો પરિવારે પોતાના મોભી ગુમાવ્યા તો હજારો પરિવારે રોજીરોટી ગુમાવી. આવા પરિવાર સુધી ભાવનગરની પીએનઆર સોસાયટીએ પહોંચીને અત્યાર સુધીમાં ૧૪૦૦થી વધુ કુટુંબોના રસોડા ચાલું રાખ્યા છે. દિવાળી દરમ્યાન આવા પરિવારોનું પર્વ નબળું ન રહે તેવી લાગણી સાથે ૫૦૦ પરિવારને દિવાળીની મિઠાઈ સાથે ચોથા રાઉન્ડમાં ૫૦૦ કિટ આપી હતી. ઈમ્પેક્ટ ફાઉન્ડેશનના સહયોગથી પીએનઆર સોસાયટી દ્વારા છેલ્લા ૪ મહિનાથી આ અભિયાન ચાલી રહ્યું છે અને ૨૭ લાખના ખર્ચે ૪ રાઉન્ડમાં ૧૪૦૦થી વધુ કિટો જરૂરિયાતમંદ પરિવાર સુધી પહોંચી છે.  આવા પરિવારના ઘર સુધી કિટ પહોંચી જાય તેવી વાહનની વ્યવસ્થા પણ સંસ્થાએ કરી હતી.  આશરે ૧૮૦૦ રૂપિયાની ચીજવસ્તુઓ પ્રત્યેક કીટમાં સામેલ હોય અને એક પરિવારનો મહિનો નીકળી જાય તેવી આ સેવા પીએનઆર દ્વારા કરવામાં આવી. સૌથી ઉડીને આંખે વળગે તેવી વાત એ હતી કે આવા પરિવારજનોને ઓશિયાળા થઈ કીટ લેવા આવવાનું ન હતું પરંતુ તેમના ઘર સુધી આ કિટ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા જણાવ્યું હતું કે દાતાઓનો સહયોગ મળતો રહે છે અને તેના થકી આવા ઉમદા કામમાં અમે નિમિત્ત બની શકીએ છીએ.

Previous articleભાવનગરની ૪૩૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે
Next articleભાવનગર પોલીસને બે અદ્યતન વાહનોની ફાળવણી કરવામાં આવી