ચોરી થતા માલ માટે જવાબદારી ફિક્સ કરવાની માંગ સાથે વેપારીઓ અને ખેડુતોની મળેલી બેઠક
ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં લવાતા માલની અવાર-નવાર ચોરી થવા પામે છે તેના કારણે ખેડુતો તથા વેપારીઓને નુકસાની વેઠવી પડે છે. આજે વેપારીઓએ ખરીદેલ શીંગની બે ગુણો કિ.રૂા.7 હજારની ચોરી થતા વેપારીઓમાં રોષ ફેલાયો હતો અને થોડાક સમય પૂરતી હરરાજી બંધ કરી દેવામાં આવી હતી. વાટાઘાટો બાદ હરાજી શરૂ કરવામાં આવી હતી. માર્કેટીંગ યાર્ડમાં હાલ સીસીટીવી કેમેરા ન હોય જેના કારણે ચોરીઓના બનાવો પણ વધવા લાગ્યા છે. અગાઉ સીસીટીવી કેમેરા હતા પરંતુ ઉંદરોના કારણે તે બંધ પડ્યા છે. આજે વેપારીએ ખરીદેલા શીંગના વકલમાંથી બે ગુણોની ચોરી થવા પામી હતી. જેના કારણે વેપારીઓમાં રોષ ફેલાયો હતો અને તાત્કાલીક હરરાજી બંધ કરી દેવાઈ હતી. અને વેપારીઓ તથા ખેડુતો યાર્ડની ઓફિસે પહોચ્યા હતા અને જ્યાં મામલતદાર તથા સેક્રેટરી સમક્ષ ચોરી થયેલા માલ માટે જવાબદારી ફિક્સ કરવા માંગ કરાઈ હતી.
આ અંગે ભાવનગર માર્કેટીંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી ડી.એસ.રોયલા એ જણાવ્યું હતું કે માર્કેટિંગ યાર્ડમાં ચોરીનો પ્રશ્ન બહુ જૂનો અને પેચીદો પ્રશ્ન છે. યાર્ડમાં છેલ્લા બે મહિનાની અંદર ત્રણ થી ચાર ચોરીની ફરિયાદો મારી પાસે આવી છે, કોઈ સ્થાનિક અથવા યાર્ડનો જાણકાર વ્યક્તિ આ ચોરી કરતા હોવાનું લાગો રહ્યું છે, ચોરી થવાના ત્રણ મુખ્ય કારણો છે યાર્ડમાં CCTV કેમરા નથી, સિકયુરિટીનો ઓછો સ્ટાફ સહિતના પ્રશ્નો હલ થાય તો જ ચોરીના બનાવો અટકાવી શકાય.