દરમહિને ઢોર માટે કોર્પોરેશનને છ’એક લાખનો ખર્ચ : પકડેલા ઢોર છોડાવવા કોઈ આવતુ નથી
ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાંથી રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ હોવા છતા શહેરમાં પરિસ્થિતી જેસે થે રહેવા પામી છે દરરોજ રસ્તાઓ પર અસંખ્ય ઢોર અડ્ડો જમાવીને બેઠા હોય છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને લોકોને ગોકુળીયા ગામની પ્રતિતિ થઈ રહી છે. શહેરના ઘોઘાગેટ ચોક, હલુરીયા ચોક, ક્રેસેન્ટ સર્કલ, જશોનાથ સર્કલ, નિલમબાગ, વિઠ્ઠલવાડી સહિતના વિસ્તારોમાં રસ્તા પર રખડતા ઢોરના કારણે દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જો કે કોર્પોરેશન દ્વારા છેલ્લા બે મહિનાથી નિયમિત રીતે ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અને દરરોજ ૧૦ થી ૧૫ ઢોર વિવિધ વિસ્તારોમાંથી પકડીને બાલા હનુમાન તથા અખિલેશ સર્કલ પાસેના ઢોરના ડબ્બામાં રાખવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં ૫૦૦ ઉપરાંત ઢોર પકડ્યા છે તેમ મહાપાલિકાના અધિકારી ડો. હિરપરાએ સૌરાષ્ટ્ર આસપાસ સાથે ટેેલીફોનીક વાતચીતમાં જણાવ્યુ હતું. તેમણે વધુમાં જણાવેલ કે પકડેલા ઢોર માટે મહિને છ’એક લાખનો ખર્ચ કોર્પોરેશનને થાય છે જો કે પકડેલા ઢોર માલીકો છોડાવવા આવતા નથી ઢોર છોડાવવા માટે રૂપીયા ૧૫૦૦ના દંડની જોગવાઈ કરવામાં આવેલી છે. પકડેલા ઢોરને દરરોજ ૧૦ થી ૧૫ કિલો ઢોર દીઠ ઘાસચારો આપવામાં આવે છે. અને તે માટેનો કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે. રખડતા ઢોરના ત્રાસથી ભાવેણાવાસીઓને ક્યારે છુટકારો મળશે ?