સત્વરે નિર્ણય નહી થાય તો રાજ્યકક્ષાએ રેલી સહિતના કાર્યક્રમો યોજવાની ચીમકી
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગઠિત ટીમ દ્વારા આજે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે અધિક કલેકટરને આવેદન પત્ર આપ્યુ હતું. જેમાં વિવિધ વિભાગોના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. શેરબજાર આધારિત નવી વર્ધિત પેન્શન યોજનાના સ્થાને જૂની પેન્શન યોજના લાગુ કરવા, શોષણ અને અન્યાયી ફિક્સ પગારની નિતી તત્કાલ બંધ કરી છેલ્લા દસ વર્ષથી સુપ્રિમકોર્ટમાં ચાલતો ફિક્સ પગારનો કેસ પાછો ખેચવા, અત્યાર સુધીના તમામ લાભો આપી સાતમા પગાર પંચ લાગુ થયાના છ વર્ષ જેટલો સમય થયો હોવા છતા કેન્દ્રના ધોરણે તાત્કાલીક ભથ્થાઓની અમલવારી શરૂ કરવા સહિતની માંગ સાથે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા રેલી કાઢી આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું. સરકાર દ્વારા આ બાબતોનો સત્વરે નિકાલ નહી આવે તો આગામી દિવસોમાં ધારાસભ્યો, સાંસદોને આવેદનપત્ર આપી રાજ્ય કક્ષાએ રેલી સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.