શહેર ભાજપ અધ્યક્ષ રાજીવ પંડ્યાના અધ્યક્ષ સ્થાને ભાજપની કારોબારી બેઠક મળી
ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય તેમજ પ્રદેશની કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ શહેર અને જિલ્લાની કારોબારી મળતી હોય છે. ત્યારે ભાવનગરમાં ભાજપની કારોબારી બેઠક મળી હતી. શહેર ભાજપ અધ્યક્ષ રાજીવ પંડ્યાની અધ્યક્ષતામાં ભાવનગર શહેરની કારોબારી બેઠક શહેર ભાજપ કાર્યાલય ખાતે મળી હતી.
શહેર ભાજપ કાર્યાલય ખાતે મળેલી કારોબારીમાં મહાનુભાવોના હાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. જે બાદ સ્વાગત વિધિ કરવામાં આવી હતી. કારોબારીના અધ્યક્ષ રાજીવ પંડ્યાના સ્વાગત પ્રવચન બાદ કારોબારીની શરૂઆત કરવામાં આવી હતી. આ કારોબારીમાં ભાવનગરમાં શહેર અને જિલ્લામાં મહામંત્રીઓ દ્વારા ગત ત્રણ માસમાં ભાવનગર મહાનગરમાં થયેલા કાર્યક્રમોનું વૃત, તેમજ ધારાસભ્ય દ્વારા રાજ્ય સ્તરના રાજકીય ઠરાવો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા મહાનગરપાલિકા સ્તરના રાજકીય પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યાં હતા. ડે. મેયર કુમાર શાહ દ્વારા 100 ટકા વેક્સિનેશન માટે અભિનંદન પ્રસ્તાવ સહિતના કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી. આ કારોબારીના અંતે ભાવનગર શહેર ભાજપના પ્રભારી કશ્યપ શુકલાએ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું, શહેર ભાજપના પ્રમુખ, મહામંત્રીઓ, ઉપપ્રમુખો, મંત્રીઓ સહિત તમામ કારોબારી સભ્યો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિત વોર્ડ પ્રમુખ, તમામ સેલ-મોરચાના પ્રમુખ તથા કન્વીનરો આ કોરોબારીમાં ઉપસ્થિત રહ્યાં હતાં.