હાલમાં સાઉથના ફિલ્મોની બોલબાલા વધી છે અને સાઉથના કલાકારોની હિન્દી ફિલ્મો પણ હીટ જઇ રહી છે ત્યારે છેલ્લા બે દિવસથી સાઉથની એક ફિલ્મનું શુટીંગ ભાવનગરમાં થઇ રહ્યું છે. સાઉથના હીરો સાંઇ શ્રીનિવાસ સહિત કલાકારોના કાફલા સાથેના યુનિટે આજે શહેરના એ.વી. સ્કૂલ મેદાન, ક્રેસન્ટ સહિતના વિસ્તારોમાં ફિલ્મના કેટલાક શોટ્સ લીધા હતાં. આ ટીમે ગઇકાલે અલંગ ખાતે પણ ફિલ્મનું શુટીંગ કર્યું હતું. વર્ષો બાદ ભાવનગરમાં સાઉથની ફિલ્મના કલાકારો સાથેનું શુટીંગ થતું હોય લોકોના ટોળે ટોળા શુટીંગ જોવા ઉમટી પડ્યા હતાં જેના કારણે ક્રેસન્ટ રોડ પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતાં.