ઘોઘામાં સગીરા પર દુષ્કર્મ આચરનારા શખ્સને પોક્સો હેઠળ 14 વર્ષની સખ્ત કેદ ફટકારાય

147

ચાર વર્ષ પૂર્વેના કેસનો ભાવનગરની સ્પેશ્યિલ પોક્સો કોર્ટના જજ એ.બી. ભોજકનો ચુકાદો
ભાવનગરના ઘોઘા તાલુકાના એક ગામમાં ચાર વર્ષ પૂર્વે એક શખ્સે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જે બાબતે પોક્સો હેઠળ શખ્સને 14 વર્ષની સખ્ત કેદની સજા ફટકારવામાં આવી છે. ઘોઘા તાલુકાના એક ગામે સાડા ચાર વર્ષ પૂર્વે તળાવ પાસે ઢોરને લઈ પાણી પાવા ગયેલી સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારે આ બનાવનો કેસ આજે સોમવારે ભાવનગરની સ્પેશ્યિલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સ્પેશ્યિલ પોક્સો જજે ગુનો સાબિત માની આરોપીને 14 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.30-6-2017 ના રોજ બપોરના 12 વાગ્યા આસપાસ ગામની સગીરા તળાવે ઢોરને લઈ પાણી પાવા ગઈ હતી. આ દરમિયાન તેની એકલતાનો લાભ લઈ વિપુલ કેશુભાઈ મોભ નામનો શખ્સ તેની પાસે ગયો હતો. તેમજ સગીરાનું બાવડુ પકડી તેની પાસે રહેલી લાકડીના બે ફટકા મારી તેણીની ઈચ્છા વિરૂદ્ધ બળજબરથી દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ અવાર-નવાર તેનો પીછો કરી હેરાન કરતો હતો. આ ઉપરાંત ભોગ બનનારી સગીરાના ઘરે મોબાઈલ ફેકી વાત કરવાનું કહેતા કંટાળી જઈ સગીરાએ આખરે તા.1-7-2017 ના રોજ બપોરે તેના ઘરે જાતે કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પોલીસે સગીરાની ફરિયાદ લઈ વિપુલ સામે આઈપીસી 323, 354, 376 પોક્સો એક્ટ 4 અને 8 તેમજ જીપીએક્ટ 135 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
આ બનાવ અંગેનો કેસ ભાવનગરની સ્પેશ્યિલ પોકસો કોર્ટના જજ એ.બી.ભોજકની કોર્ટમાં અંતિમ નિર્ણય માટે આવતા સરકારી વકિલ અનોપસિંહ ઝાલાની દલિલો 19 સાહેદો અને 42 દસ્તાવેજી પુરાવા ગ્રાહ્ય રાખી જજે આરોપી વિપુલ કેશુભાઈ મોભ સામે ગુનો સાબિત માની આઈપીસી 376 મુજબ 14 વર્ષની સખ્ત કેદ અને 10 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે પોક્સો કલમ 8 મુજબ ત્રણ વર્ષની કેદ અને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત સરકારની સ્કિમ મુજબ સગીરાને રૂપીયા 6 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો.

Previous articleJ&K નો દરજ્જો બહાલ કરવા માટે ચાલુ રહેશે લડાઇ : ગુલાબ નબી આઝાદ
Next articleભાવનગરમાં સામાન્ય બાબતમાં યુવાનો વચ્ચે બોલાચાલી થયા બાદ બે જૂથો વચ્ચે પથ્થરમારો, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો