ભાવનગરના જુનિયર તબીબોની લડતનું સ્વરૂપ બદલાયું, ફરજના સ્થળે સાત દિવસની મુદત સાથે બ્લેક રીબીન ધારણ કરી ફરજ બજાવશે
મેડિકલ કોલેજોમાં નવી પ્રવેશ પ્રક્રિયા (એડમિશન) સહિતના પ્રશ્નોના ઉકેલ માટે ઓલ ઈન્ડિયા જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આંદોલનનું એલાન કરાયું હતું. આ મુદ્દે કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટર મનસુખ માંડવીયા સાથે યોજાયેલી મંત્રણાને પગલે સરકારે પ્રશ્નોના ઉકેલ માટે સાત દિવસની મુદત માંગતા જુનિયર તબીબોએ આજે સોમવારથી લડતનું સ્વરૂપ બદલ્યું હતું. તેમણે ફરજના સ્થળેથી દૂર રહીને વિરોધ પ્રદર્શન ન કરતાં ફરજના સ્થળે જ કાળી રીબીન ધારણ કરી એક સપ્તાહ ફરજ બજાવવાની ઘોષણા કરી હતી. સમગ્ર રાજ્ય સહિત દેશમાં મેડિકલ કોલેજમાં નવી પ્રવેશ પ્રક્રિયા મુદ્દે કોર્ટમાં પિટિશન દાખલ થઈ હતી. આમ છતાં આ મુદ્દે કેસ તદ્દન મંદગતિએ ચાલતા રાજ્યભરના જુનિયર તબીબોએ આંદોલનનું રણશીંગુ ફૂંક્યું હતું. કોરોનાની નવી સ્ટ્રેઈનથી દેશ પર જ્યારે ખતરો મંડરાઇ રહ્યો છે, ત્યારે કોરોના સામેની લડતમાં રેસિડેન્ટ ડોક્ટરોની જરૂરિયાત ઊભી થશે. છેલ્લાં 1.5 વર્ષથી નવા જુનિયર રેસીડેન્ટ ડોક્ટરોનું એડમિશન થયું નથી. આ મુદ્દા અંગે વધુ વિલંબ થઈ રહ્યો છે. જે અંગે રેસીડેન્ટ ડોક્ટરોમાં ખુબ રોષ છે. નોંધનીય છે કે આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આપેલા આશ્વાસન અને માનવતાના ધોરણે જુનિયર રેસીડેન્ટોએ દર્દીઓના હિતમાં વિચારીને વિરોધ પ્રદર્શનના સ્વરૂપમાં ફેરફાર કર્યો છે. પરંતુ 7 દિવસમાં કોઈ ચોક્કસ પગલાં નહિ લેવાય તો આંદોલન ઉગ્ર બની શકવાની પૂરી શક્યતાઓ છે. ગત શનિવારે સાંજે આજે સોમવારથી ફરજથી દુર રહી લડત વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત કરાઈ હતી. જેને પગલે ગઈકાલે રવિવારે જુનિયર ડોક્ટર્સ એસોસિએશનના હોદ્દેદારો કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાને મળ્યા હતા. જેમાં તેમણે આ પ્રશ્નોનો એક સપ્તાહમાં ઉકેલ આવશે અને કોર્ટમાં ચાલતો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું. જેથી જુનિયર તબિબોએ ફરજથી દૂર ન રહીને પરંતુ પોતાના ફરજના સ્થળે જ કાળી રીબીન ધારણ કરી એક સપ્તાહ ફરજ બજાવવાની ઘોષણા કરી હતી. માનવતાના ધર્મ અને દર્દીઓના હિતને ધ્યાનમાં રાખીને ફરજના સ્થળેથી દૂર રહીને વિરોધ પ્રદર્શન ન કરાતાં આ નિર્ણય લેવાયો હોવાનું જુનિયર ડોક્ટરોએ જણાવ્યું હતું. આ ઉપરાંત એવી પણ ચિમકી ઉચ્ચારી કરી હતી કે જો નિયત સમયમાં તેમના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આ લડત વધુ ઉગ્ર બનશે.