ભાઈઓના વિભાગમાં 21 અને બહેનોના વિભાગમાં 11 ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો
બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા ભાવનગરના આંગણે ચાર દિવસીય બાસ્કેટબોલ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યભરની 32 ટીમોએ ભાગ લીધો છે. નોંધનીય છે કે આ ટુર્નામેન્ટનું આયોજન એક્રેસીલ કંપનીના સહયોગથી કરવામાં આવ્યું છે. શહેરના સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તા. 1થી 4 ડિસેમ્બર દરમિયાન સ્ટેટ સિનિયર બાસ્કેટબોલ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર, ભાવનગર યુનિવર્સિટી, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, આણંદ, પાટણ, અરવલ્લી તથા ભરૂચ સહિત રાજ્યભરની કુલ 32 ટીમો ભાગ લઇ રહી છે. ઉલ્લેખનીય છે કે ભાઈઓના વિભાગમાં 21 અને બહેનોના વિભાગમાં 11 ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત ગઈકાલે બુધવારે પ્રથમ દિવસની મેચ આણંદ અને પાટણ વચ્ચે રમાઈ હતી. જેમાં આણંદની ટીમનો 59-50 પોઈન્ટથી વિજય થયો હતો. બીજી મેચ બરોડા અને ભરૂચ વચ્ચે રમાઈ હતી. જેમાં બરોડાના ટીમનો 81-32 પોઈન્ટથી ભવ્ય વિજય થયો હતો. તેમજ ત્રીજી મેચ સુરત અને બનાસકાંઠા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં બંને ટીમો વચ્ચે રસાકસી જોવા મળી હતી, જેમાં સુરતની ટીમનો 61-52 પોઈન્ટથી વિજય થયો હતો. આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર એમ.એ ગાંધી, ડેપ્યુટી કમિશ્નર દિલીપ ગોહિલ, રેન્જ આઈજી અશોકકુમાર, એસબીઆઈના એજીએમ જ્ઞાનેશ્વર પ્રસાદ, ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ શક્તિ ગોહિલ, સેક્રેટરી શફિક શેખ, એક્રેસીલના મનીષ ઠક્કર, પ્રદીપ ત્રિવેદી, મિતેષ ચૌહાણ, સિદ્ધરાજસિંહ ઝાલા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.