વાવાઝોડું ‘જવાદ’ આજે સવારે આંધ્રપ્રદેશ-ઓડિશામાં ટકરાશે

359

જવાદ આંધ્ર-ઓરિસ્સાના કિનારા તરફ આગળ વધ્યું : ભારે વરસાદની શક્યતાને પગલે એનડીઆરએફની ૨૯ ટીમ તહેનાત કરાઈ : ૨૬૬ રેસ્ક્યુ ટીમો તૈનાત કરવામાં આવી
નવીદિલ્હી,તા.૩
બંગાળની ખાડીમાં હળવા દબાણનું ક્ષેત્ર તેજ થઈને ચક્રવાતી વાવાઝોડું ’જવાદ’માં પરિવર્તિત થઈ શકે છે. એ શનિવારે સવારે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે વિશાખાપટ્ટનમથી લગભગ ૭૭૦ કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં મોડી રાત્રે બંગાળની ખાડી પરનું દબાણ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે.સવારે પશ્ચિમ-મધ્યને અડીને આવેલા દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં આ દબાણ ભારે ડિપ્રેશનમાં પરિણમ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૧૨ કલાકમાં એ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને તે શનિવારે સવારે ઉત્તર આંધ્રપ્રદેશ-ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે. જણાવીએ કે આ વખતે ચક્રવાત જવાદનું નામ સાઉદી અરબે આપ્યું છે. જવાદનો અરબીમાં અર્થ ઉદાર કે દયાળુ થાય છે. ઓડિશા, આંધ્રપ્રદેશ અને ગંગાના પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં ૧૦૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ભારેથી અતિભારે વરસાદ પડશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવે છે અને ખાસ કરીને ખેતીના પાકને નુકસાન અંગે ચેતવણી જારી કરવામાં આવી છે. વાવાઝોડા જવાદને પગલે વડાપ્રધાન મોદીએ પણ એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. બેઠકમાં વડાપ્રધાન મોદીએ રાજ્યો, કેન્દ્રીય મંત્રાલયો અને સંબંધિત એજન્સીઓની તૈયારી બાબતની સમીક્ષા કરી હતી. ઓડિશા સરકારે ચક્રવાત જવાદથી થતી પ્રતિકૂળ અસરોને રોકવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. વિશેષ રાહત કમિશનર પ્રદીપ કુમાર જેનાએ કહ્યું હતું કે સરકાર દ્વારા દરિયાકાંઠાના જિલ્લાઓમાં રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ રાજ્ય ફાયર સર્વિસ અને ઓડિશા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સ સહિત ૨૬૬ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેમાંથીએનડીઆરએફની ૨૯ ટીમને તહેનાત કરી દેવામાં આવી છે અને ૩૩ ટીમને સ્ટેન્ડબાય રખાઇ છે. જેનાએ કહ્યું, “રાજ્ય સરકાર વાવાઝોડા સામે દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. દરિયાકાંઠાના ૧૪ જિલ્લાને અલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને આવનારા ચક્રવાતી વાવાઝોડાને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. વાવાઝોડું જવાદને કારણે માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી છે. ૩ ડિસેમ્બરથી ૫ ડિસેમ્બર દરમિયાન ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.વાવાઝોડાને કારણે રેલવે વિભાગ દ્વારા ત્રણ અને ચાર ડિસેમ્બરના રોજ ઊપડનારી ૯૫ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને રદ કરવામાં આવી છે. રેલવે વિભાગે ટ્‌વીટ કરીને આ બાબતની જાણકારી આપી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleજવાદ વાવાઝોડાને લીધે બે દિવસમાં ૧૦૦ ટ્રેન રદ કરાઈ