ગોવા ખાતે વેક્સિનેશન સેન્ટર પર બીજો ડોઝ લેવા ગયા ત્યારે ખબર પડી ૩ ડિસેમ્બરના રોજ મોબાઈલ પર વેક્સિન થઈ ગયાનું સર્ટિફીકેટ આવ્યું
ભાવનગર શહેરના ગાયત્રીનગરમાં રહેતા ભાવનગર યુવા કૉંગ્રેસ નેતા પવન મજેઠીયાએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો નથી છતાં પણ તેને બીજા ડોઝ લીધાનું સર્ટીફીકેટ મળી ગયું હતું. આ ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામી આવી હતી. પવન મજેઠીયાએ જણાવ્યું હતું કે, હું ગઈકાલે ગોવામાં બીજો ડોઝ લેવા વેક્સિનેશન સેન્ટર પર ગયો તો મને કીધું કે તમે બીજો ડોઝ તા.૩ ડિસેમ્બરના રોજ ભાવનગર ગુજરાતથી અપાઈ ગયો છે. હું ૧૯ નવેમ્બરથી ગોવામાં ચૂંટણી કાર્યમાં વ્યસ્ત છું આજે મને મારા મોબાઈલ પર બીજા ડોઝ લીધાનું સર્ટિફીકેટ આવતા મને આશ્ચર્ય ચકિત થઈ ગયો હતો. સર્ટિફીકેટમાં જોતા તેમાં ૩-૧૨-૨૦૨૧ શુક્રવારના રોજ બીજો ડોઝ લીધાનું સર્ટિફીકેટમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, પણ હું છેલ્લા ૧૪-૧૫ દિવસથી ગોવામાં વિધાનસભાની તૈયારીઓમાં છું અને ત્યાં તા.૩ ડિસેમ્બરને શુકવારના રોજ ભાવનગરમાંથી વૅક્સિન લીધી એવું કેવી રીતે શક્ય બને? વધુમાં જણાવ્યું હતું કે, મે પહેલો ડોઝ ૧૦-૫-૨૦૨૧ના રોજ ડોક્ટર હોલ ખાતે લીધો હતો. જ્યારે બીજા ડોઝ લીધો જ નથી, છતાં પણ કાલે મેં બીજા ડોઝ લીધાનું સર્ટિફીકેટમાં દેખાડી રહ્યું છે. જે ભાવનગર શહેરના શિવ ભગવાન મંદિર ક્યાં આવ્યું એ મને ખબર જ નથી, અને તે સ્થળે થી બીજો ડોઝ લીધો છે તેવું સર્ટિફિકેટમાં દેખાઈ રહ્યું છે. કોરોના વેક્સિનેશનની કામગીરમાં ભાવનગર કોર્પોરેશન પર ઘોર બેદરકારી સામે આવી રહી છે. કોરોનાની રસી લીધી ન હોવા છતાં વેક્સિનેશનનું સર્ટીફિકેટ આવી ગયું હતું. આવા ગોટાળા પછી ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પણ મુંઝવણમાં મુકાઈ ગઈ છે. તે પણ સમજી નથી શકી કે આ ગરબડ ક્યાંથી થઈ રહી છે. જે નામનું સર્ટીફિકેટ ઈસ્યુ કરાયુ છે તેમણે વેક્સિન લીધી જ નથી તેથી રસીકરણની કામગીરી વગર સર્ટિફેકેટ અપાઈ રહ્યા હોવા મુદ્દે સવાલો ઉઠાવાઈ રહ્યા છે. રસીકરણ કર્યા વિના પ્રથમ ડોઝ સફળતાપૂર્વક આપવા માટેનાં પ્રમાણપત્ર આપવાને લઈ અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા, તેવા બીજા ડોઝમાં પણ આવા છબરડા બહાર આવી રહ્યા છે. જોકે, રસીનાં ઓનલાઈન રજીસ્ટ્રેશન દરમિયાન વ્યક્તિનું આઈડી પ્રૂફની ડીટેલ પણ આપવામાં આવે છે અને તેની રસી સમયે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે છે. અહીં તો સીધુ જ પ્રમાણપત્ર મોકલવામાં આવ્યું છે. આ અંગે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી આર.કે.સિન્હાને સાથે ટેલિફોનિક વાતચીતમાં પૂછતાં આ સેન્ટર ક્યાં આવ્યું એની મને ખબર નથી. કોરોનાની રસીનો ડોઝ અંગેનું પૂછતાં તેણે જણાવ્યું જ્યાં પહેલો ડોઝ લીધો એ ડોક્ટરને ફોન કરી ને પૂછી લ્યો, મને કાઈ ખબર નથી.