ઓમિક્રોન જાન્યુ.ના બીજા સપ્તાહમાં પીક પર, ફેબ્રુઆરીમાં સમાપ્ત થશે

93

કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોને ભારતમાં પગપેસારો : મેદાંતાના ચેરમેન ડોક્ટર નરેશ ત્રેહને વાયરસ ક્યારે પીક પર હશે અને તેનું જોખમ ક્યાં સુધીમાં ટાળી શકાશે તે અંગે વિસ્તારપૂર્વક જાણકારી આપી
નવી દિલ્હી, તા.૬
કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોને ભારતમાં પગપેસારો કરી દીધો છે. ઓમિક્રોનનો ટ્રાન્સમિશન રેટ ભારતમાં બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિએન્ટ કરતા ૩ ગણો વધારે છે. મતલબ કે, આ વાયરસ ૩ ગણી વધુ ઝડપથી લોકોને સંક્રમિત કરી શકે છે. મેદાંતાના ચેરમેન ડોક્ટર નરેશ ત્રેહને વાયરસ ક્યારે પીક પર હશે અને તેનું જોખમ ક્યાં સુધીમાં ટાળી શકાશે તે અંગે વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી. ડોક્ટર ત્રેહનના કહેવા પ્રમાણે આપણે સૌએ ભારતમાં આવેલી પાછલી ૨ લહેરોમાંથી સબક લેવો જોઈએ. પહેલી અને બીજી લહેર વચ્ચે આશરે ૩૨ સપ્તાહનો સમય હતો. પહેલી લહેર બાદ લોકોએ એવું માની લીધું હતું કે, વાયરસ હવે ખતમ થઈ ગયો છે પરંતુ બીજી લહેર વખતે તે વધુ ભયંકર બનીને પાછો ત્રાટક્યો. માટે લોકોએ સમજવું જોઈએ કે, જ્યાં સુધી સંપૂર્ણપણે વાયરસનું જોખમ ટળી ન જાય ત્યાં સુધી સાવધ રહે. ડોક્ટર ત્રેહને જણાવ્યું કે, એક અનુમાન પ્રમાણે આ વાયરસ સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનાથી જ ફેલાઈ રહ્યો છે પરંતુ તેનો કોઈ પુરાવો નથી. જો આપણે સૂત્રા મોડલથી જોઈએ જેને પહેલી અને બીજી લહેર વખતે પણ અપ્લાય કરવામાં આવેલું તો નવો વેરિએન્ટ જાન્યુઆરીના પહેલા કે બીજા સપ્તાહમાં પીક પર હશે. એવી પણ સંભાવનાઓ છે કે, આ લહેર ફેબ્રુઆરી મહિના સુધીમાં સમાપ્ત થઈ જશે. જોકે તે કેટલી ઉંચી જશે તે આપણા વ્યવહાર પર નિર્ભર કરે છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, ઓમિક્રોન વેરિએન્ટના પગપેસારાને ત્રીજી લહેર ઘોષિત કરવી હાલ મુશ્કેલ કહી શકાય. આ માટે વધુ રાહ જોવી પડશે. આ સાથે જ તેમણે કોરોના દરમિયાન રાખવામાં આવતી સાવધાનીઓનું પાલન કરવા માટે જણાવ્યું હતું.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleપડકારો છતાં ભારત-રશિયાના સબંધો મજબૂત બન્યા : મોદી